GUJARAT : રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત રાણાવાવ બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

0
35
meetarticle

સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તા.૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાનાઓ ના માર્ગદર્શન અને સૂચન મુજબ તેમજ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિરના માર્ગદર્શન હેઠળ આજ રોજ રાણાવાવ બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક ટીમ દ્વારા જનતાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે ભારત દેશમાં દરરોજ સરેરાશ ૪૫૦થી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે, જ્યારે ગુજરાત રાજ્યમાં દરરોજ ૨૦થી વધુ લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી વ્યક્તિઓનું આ રીતે મૃત્યુ થવું સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે.
વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન જેવા કે ચાલતા વાહનમાં મોબાઇલ ફોનનો ઉપયોગ, હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવી, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ઓવરસ્પીડ, પરમિટ કરતાં વધુ મુસાફરો બેસાડવા તથા નિયમ વિરુદ્ધ ઓવરટેક કરવું વગેરે કારણોસર ગંભીર અને જીવલેણ અકસ્માતો સર્જાતા હોવાનું સમજાવવામાં આવ્યું હતું. આવા અકસ્માતો નિવારવા માટે તમામ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.


આ ઉપરાંત જનતાને રાહ-વીર યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. અગાઉ આ યોજના “ગુડ સમરીટન યોજના” તરીકે ઓળખાતી હતી, જેમાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને પ્રથમ કલાકમાં હોસ્પિટલ અથવા ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર નાગરિકને પ્રશંસા પત્ર તથા રૂ.૫,૦૦૦નું રોકડ ઇનામ આપવામાં આવતું હતું. સરકાર દ્વારા જૂન-૨૦૨૫થી આ યોજનાને “રાહ-વીર યોજના” તરીકે અમલમાં મૂકવામાં આવી છે, જેમાં રોકડ પુરસ્કારની રકમ રૂ.૫,૦૦૦થી વધારીને રૂ.૨૫,૦૦૦ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઘાયલ કે ઇજાગ્રસ્ત વ્યક્તિને નિસ્વાર્થ ભાવે મદદ કરનાર નાગરિકને “રાહ-વીર પ્રશંસા પત્ર” તથા રૂ.૨૫,૦૦૦નો રોકડ પુરસ્કાર સરકાર તરફથી આપવામાં આવે છે. ઉપરાંત, રાહ-વીરોની પોલીસ પૂછપરછ નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે. તેથી જ્યારે પણ કોઈ માર્ગ અકસ્માત નજરે પડે ત્યારે પોલીસનો ભય રાખ્યા વિના ઘાયલ વ્યક્તિને મદદરૂપ થવા ટ્રાફિક પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. કે.બી. ચૌહાણ, એ.એસ.આઈ. કે.બી. પરમાર, વુમન પોલીસ કોન્સ્ટેબલ રેણુબેન બાંભણીયા, ડ્રાઈવર ભીખુભાઈ રાણાવાયા, મયુરભાઈ બાલશ તેમજ ટ્રાફિક બ્રિગેડના દિલીપભાઈ ગોઢાણીયા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here