વલસાડ જિલ્લાની ડુંગરા પોલીસે બાતમીના આધારે લવાછા વિસ્તારમાં દરોડો પાડીને ગેરકાયદેસર ગાંજાના મોટા જથ્થા સાથે ત્રણ આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹૧.૨૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઘટનાની વિગત મુજબ, ડુંગરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લવાછા વિસ્તારમાં કેટલાક શખ્સો ગાંજાનો વેપાર કરી રહ્યા છે. જે અંતર્ગત કાર્યવાહી કરતા પોલીસે આદિત્યકુમાર ચન્દ્રવંશી, અંકિત પાલ, અવજીતકુમાર યાદવ અને એક સગીરને ૨.૦૯૫ કિલોગ્રામ ગાંજા સાથે દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ મૂળ બિહાર અને ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ લવાછા તેમજ કરમખલ વિસ્તારમાં ભાડાની ચાલીઓમાં રહી આ પ્રવૃત્તિ કરતા હતા.
પોલીસે સ્થળ પરથી ₹૧,૦૪,૭૫૦ની કિંમતનો ગાંજો, ૩ મોબાઈલ ફોન, વજન કાંટો અને પેકિંગ માટે વપરાતી સામગ્રી મળી કુલ ₹૧,૨૦,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ડુંગરા પોલીસે તમામ વિરુદ્ધ NDPS એક્ટ અને જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોણ આ નેટવર્કમાં સામેલ છે.

