અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે સુરવાડી બ્રિજ પાસે વોચ ગોઠવી ચાઈનીઝ દોરીના બોબીન સાથે બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, ‘એ’ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સુરવાડી બ્રિજ પાસે આવેલ HDFC બેન્ક નજીક એક શખ્સ થેલીમાં ચાઈનીઝ દોરીના બોબીન રાખીને ઉભો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા સતીષ સંજયભાઇ વસાવા (રહે. સંજયનગર, અંકલેશ્વર) અને સુમિત નરેશભાઈ ગોહિલ (રહે. જુના તવરા, ભરૂચ) પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૫ નંગ બોબીન મળી આવ્યા હતા.
પોલીસે ₹૩,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગા કર્યા છે.

