ચોટીલા પોલીસે મોટા હરણીયા ગામની સીમમાં ધમધમતી દેશી દારૃની ભઠ્ઠી સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલા પોલીસે બાતમીના આધારે તાલુકાના મોટા હરણીયા ગામની સીમમાં ખારીના તળાવને રસ્તે આવેલ વાડીના શેઢે આવેલા ખરાબામાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપી પાડી હતી. દરોડા સમયે દેશી દારૃ ગાળવાની પ્રવૃતિ પણ ચાલી રહી હતી. પોલીસે સ્થળ પરથી દેશી દારૃ બનાવવાનો ૪૨૦૦ લીટર આથો (રૃ.૧.૦૫ લાખ), ૩૦ લીટર દેશી દારૃ (રૃ.૬૦૦), પતરાના બેરલ, બાફણીયા, કુંકણી, ઇલેક્ટ્રિક મોટર કિંમત રૃ.૧૦૦૦ સહિત કુલ રૃ.૧.૧૨ લાખના મુદામાલ સાથે થોભણભાઈ વિરજીભાઈ બોરનિયા (રહે. મોટા હરણીયા, તા.ચોટીલા)ને ઝડપી પાડયો હતો. પોલીસે ઝડપી પાડેલ દેશી દારૃ બનાવવાનો આથો, દેશી દારૃ સહિતના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો અને ચોટીલા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

