ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હાલમાં સરકારી જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરીને મોટા પાયે હોડગ્સ લગાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હાઈવેની બંને બાજુએ અંદાજે ૪૦થી વધુ વિશાળ હોડગ્સ ખડકી દેવામાં આવ્યા છે, જેમાંથી ખાનગી કંપનીઓ જાહેરાતકર્તાઓ પાસેથી દર મહિને અંદાજે રૃ.૨૫,૦૦૦ જેવી માતબર રકમ વસૂલી રહી છે.

ગણતરી કરવામાં આવે તો, આ ગેરકાયદેસર હોડગ્સ દ્વારા ખાનગી કંપનીઓ વર્ષે દહાડે લાખો રૃપિયાની કમાણી કરી રહી છે. નવાઈની વાત એ છે કે, સરકારી જમીનનો બેફામ ઉપયોગ થવા છતાં સરકારની તિજોરીમાં એક પણ રૃપિયો જમા થતો નથી. આટલા મોટા પાયે ખુલ્લેઆમ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્રની મિલીભગત હોવાની શંકા સેવાય રહી છે.આ મામલે ધ્રાંગધ્રાના જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે હાઈવે પરથી તમામ ગેરકાયદેસર હોડગ્સ તાત્કાલિક દૂર કરવામાં આવે અને જવાબદાર કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે ક્યારે જાગશે અને સરકારી મિલકતની સુરક્ષા માટે કેવા પગલાં ભરશે.

