નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને વેચાણ રોકવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના પીપલગ એપીએમસીની બહાર આવેલી એક દુકાનમાં મોટા પાયે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો હોવાની બાતમીના આધારે પાલિકાની સેનિટરી ટીમે દરોડા પાડી અંદાજે ૩૦૦થી ૩૫૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો છે.

નડિયાદ મહાનગરપાલિકાની સેનેટરી વિભાગની ટીમે પીપલગ એપીએમસીની બહાર આવેલી કાકા પાન કોર્નર નામની દુકાન, જે સતીષભાઈ જાદવ દ્વારા ભાડે રાખીને ચલાવવામાં આવતી હતી, ત્યાં રેડ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના કુલ ૧૮ જેટલા કટ્ટા મળી આવ્યા હતા. જેમાં ૨૫ કિલો, ૩૦ કિલો, ૨૨ કિલો અને ૨૮ કિલો મુજબના અલગ-અલગ વજનના પેકેટ હતા. કુલ મળીને અંદાજે ૩૦૦થી ૩૫૦ કિલો જેટલો ગેરકાયદે પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દુકાનને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. તંત્રની તપાસમાં સામે આવ્યું છે કે, આ પ્રતિબંધિત માલ ગંજ બજારમાં આવેલી રોયલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી પાસેથી લાવવામાં આવતો હતો. આ ઉપરાંત કેટલોક જથ્થો બરોડાથી પણ મંગાવવામાં આવતો હોવાનું ખુલ્યું છે. નોંધનીય છે કે, અગાઉ પણ રોયલ એન્ટરપ્રાઇઝ પર કાર્યવાહી કરી ૨૦૦થી ૨૨૫ કિલો પ્લાસ્ટિક કપ જપ્ત કરી ૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ત્યારે મનપાની મનપા વિસ્તારમાં ચોમેર કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટનો માહોલ છે.

