દેશના દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં વાયુ પ્રદૂષણની માત્રામાં અધધ વધારો થતા સુરત પાલિકાએ બાંધકામ સાઈટ માટે ગાઈડલાઈન જાહેર કરી હતી જેમાં ગ્રીન નેટ સહિતની ગાઈડ લાઈન નો અમલ ન કરતી બાંધકામ સાઈટને દંડ કરી રહી છે. પરંતુ બીજી તરફ સુરત પાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ બની રહ્યાં છે અને રોડ બન્યા બાદ ડામર રોડ પર જે ઝીણું મટીરીયલ્સ નાખવામાં આવે છે તે જાહેર રસ્તા પર દિવસો સુધી ઉડે છે અને તેના કારણે પ્રદુષણની માત્રામાં તો વધારો થાય જ છે સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડે છે. જો બાંધકામ કરનારી સાઈડ પ્રદુષણ કરે તો દંડ કરવામાં આવે છે પરંતુ પાલિકાના રોડના કોન્ટ્રાક્ટર હવામાં પ્રદૂષણ ફેલાવે છે તેમને છૂટ આપવામાં આવી છે ? તેવી ચર્ચા લોકો કરી રહ્યાં છે.

સુરત પાલિકા તંત્ર હવામાં પ્રદુષણ અટકાવવા માટે પગલાં ભરે છે પરંતુ એકને ગોળ અને એકને ખોળ નીતિ અપનાવતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સુરત પાલિકા વિસ્તારમાં બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ સહિતની ગાઈડ લાઈન નો અમલ ન કરનારા બિલ્ડર- ડેવલપર્સ પાસે ત્રણ મહિનામાં 70 લાખનો દંડ વસુલ કર્યો છે. બિલ્ડર પાસે દંડ વસુલ કર્યો તેનો કોઈ વિરોધ નથી કરતું પરંતુ બીજી તરફ રોડ બનાવતા પાલિકાના કોન્ટ્રાક્ટરો જે રીતે હવામાં પ્રદુષણ ફેલાવી રહ્યાં છે તેની સામે કોઈ કાર્યવાહી ન થતાં પાલિકાની પ્રદૂષણ અટકાવવાની કામગીરી માટે બેવડા ધોરણ હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.
સુરત પાલિકાના તમામ ઝોનમાં હાલ રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી હવા પ્રદૂષણ, લોકોના આરોગ્ય સામે જોખમ હોવા સાથે સાથે ટુ વ્હીલર ચાલકો માટે પણ જોખમી બની રહી છે. પાલિકાના કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે ત્યાર બાદ ડામર રોડ બન્યો હોય તે પછી તરફ ઝીણું મટીરીયલ્સ (ચીપ્સ, ધૂળ અને કંકર) પાથરવામાં આવે છે, તે દિવસો સુધી સાફ ન થવાને કારણે ભારે ધૂળ ઉડતી રહે છે. આ કારણે વાહન ચાલકો અને આસપાસ રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને એલર્જીની ફરિયાદો વધી રહી છે. એટલું જ નહીં પરંતુ આ મટીરીયલ્સના કારણે ટુ વ્હીલર ચાલકોને વાહનો સ્લીપ થવાના બનાવો પણ સામે આવી રહ્યા છે, જેના કારણે અકસ્માતની ભીતિ પણ રહેલી છે.
જો બાંધકામ સાઈટ પર ધૂળ ઉડે તો પાલિકા દંડ ફટકારતી હોય તો પાલિકાના રોડના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બન્યા બાદ દિવસો સુધી ઝીણું મટીરીયલ્સ ન હટાવી લોકો માટે જોખમ ઉભુ કરી રહ્યાં છે તેવા પાલિકાના કોન્ટ્રાક્ટર સામે કેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી. હવે જોવાનું રહ્યું કે પાલિકા પ્રદૂષણ અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ક્યારે અને કેવી રીતે પગલાં ભરે છે, કે પછી પ્રદૂષણ અટકાવવાના નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી જશે તે તો સમય જ બતાવશે.

