રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર પ્રાઈડ રિસોર્ટ પાસે એક બેફામ કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.રંગીલા રાજકોટમાં અકસ્માતોની હારમાળા યથાવત રહી છે. રાજકોટ શહેરના પોશ ગણાતા નવા 150 ફૂટ રિંગ રોડ પર એક કારચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે દોડાવી ભયાનક અકસ્માત સર્જ્યો છે. પ્રાઈડ રિસોર્ટ પાસે બનેલી આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, નવા 150 ફૂટ રિંગ રોડ પરથી એક કાર અત્યંત તેજ ગતિએ પસાર થઈ રહી હતી. આ દરમિયાન પ્રાઈડ રિસોર્ટ નજીક અચાનક જ કારચાલકે સ્ટેયરીંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતાની સાથે જ કાર રસ્તા પર ફંગોળાઈ હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો. કારની ગતિ એટલી વધારે હતી કે અકસ્માત સમયે રોડ પરના દ્રશ્યો ધ્રુજાવી દે તેવા હતા.

આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કાર હવામાં ફંગોળાઈ રહી છે અને રસ્તા પર પછડાઈ છે. સદનસીબે અન્ય વાહનો આ અકસ્માતની અડફેટે આવતા બચી ગયા હતા, નહીંતર મોટી હોનારત સર્જાઈ શકી હોત. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો અને રિસોર્ટના કર્મચારીઓ દોડી આવ્યા હતા. આ માર્ગ પર વારંવાર નબીરાઓ પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય છે, જેને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે કારચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. રાજકોટ પોલીસ દ્વારા અવારનવાર સ્પીડ લિમિટ રાખવા માટે અપીલ કરવામાં આવે છે, તેમ છતાં આવા અકસ્માતો યથાવત છે. આ અકસ્માતમાં જાનહાનિના કોઈ અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે. લોકો દ્વારા આવા રફ્તારના રાક્ષસો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
