અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીની ફરિયાદો ઉઠી રહી છે. આ ગંભીર મુદ્દે AMC વોટર સપ્લાય કમિટીના ચેરમેને મહત્વનું નિવેદન આપ્યુ છે.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીની ફરિયાદો ઉઠી રહી છે. આ ગંભીર મુદ્દે AMC વોટર સપ્લાય કમિટીના ચેરમેને મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે શહેરના અમુક ચોક્કસ વિસ્તારોમાં પીવાના પાણીમાં અશુદ્ધિ જોવા મળી રહી છે.
AMC વોટર સપ્લાય કમિટી ચેરમેનના જણાવ્યા અનુસાર, જે વિસ્તારોમાં પાણીના કનેક્શન ભૌગોલિક રીતે નીચાણવાળા ભાગમાં આવેલા છે, ત્યાં ગટરના પાણી ભળવાની સમસ્યા વધુ સર્જાય છે. આ ઉપરાંત, દાયકાઓ જૂની ડ્રેનેજ લાઇન પણ લીકેજનું મુખ્ય કારણ બની રહી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કમિટી દ્વારા તાત્કાલિક અસરથી જૂની ડ્રેનેજ લાઇન બદલવાની સૂચના આપી દેવામાં આવી છે.

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે AMC એક્શન પ્લાન તૈયાર કર્યો છે.પ્રદૂષિત પાણીની અસરવાળા વિસ્તારોમાં રોજિંદા 7 થી 10 સેમ્પલ લેવા માટે ફિલ્ડ સ્ટાફને આદેશ અપાયા છે. સેમ્પલ લીધા બાદ લેબોરેટરી રિપોર્ટમાં વિલંબ ન થાય અને ત્વરિત રિપોર્ટ મળે તે માટે સૂચના આપવામાં આવી છે, જેથી ખામીવાળી જગ્યા પર જલ્દી રિપેરિંગ કામ શરૂ કરી શકાય.
વોટર સપ્લાય કમિટીએ ખાતરી આપી છે કે શહેરના દરેક નાગરિકને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. જે વિસ્તારોમાં ફરિયાદો વધુ છે ત્યાં એન્જિનિયરોની ટીમ રૂબરૂ મુલાકાત લઈને લાઇન ચેકિંગની કામગીરી કરી રહી છે.
