ઓડિશામાં યોજાનાર બામસેફ અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનને ગેરકાયદેસર રીતે અટકાવવાના વિરોધમાં ભરૂચના વિવિધ બહુજન સંગઠનો જેવાકે, ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા અને રાષ્ટ્રીય પછાત વર્ગ મોરચા સહિતના સંગઠનોએ સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર પાઠવી આ કાર્યવાહીને બંધારણીય અધિકારોનું હનન ગણાવ્યું હતું.

આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, ડિસેમ્બર-૨૦૨૫માં પ્રસ્તાવિત આ કાર્યક્રમને રોકીને લોકશાહીના મૂલ્યોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ અન્યાય સામે સંગઠનો દ્વારા ચાર તબક્કામાં રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડવાની જાહેરાત કરવામાં આવી છે, જેના પ્રથમ ચરણરૂપે દેશભરમાં વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર અપાયા હતા. ભરૂચ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લંકેશ મયાત્રા, ચેતન ગોહિલ, અનંત મોટાવલ અને અરવિંદ પરમાર સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી ‘મૂળનિવાસી’ સમાજના અવાજને દબાવવાના પ્રયાસો સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
