ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ‘ક્લસ્ટર મેગા જોબફેર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં રિલાયન્સ, એસઆરએફ, સનફાર્મા અને એમઆરએફ જેવી ૪૪ જેટલી નામાંકિત કંપનીઓએ ઉપસ્થિત રહી ૨૩૮૧ વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં મોટી સંખ્યામાં શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવક-યુવતીઓ ઉમટી પડ્યા હતા.

આ કાર્યક્રમનો શુભારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને નાયબ કલેક્ટર પાર્થ જયસ્વાલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયો હતો. આ જોબફેરમાં એસએસસીથી લઈને એન્જિનિયરિંગ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક્સિક્યુટિવ, ક્યુસી ઓફિસર અને એપ્રેન્ટિસ જેવી વિવિધ કેડર માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંદાજે ૫૦૦૦ જેટલા ઉમેદવારોને કોલલેટર પાઠવી રોજગારીની સુવર્ણ તક પૂરી પાડવામાં આવી હતી. ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચમાં સ્થાનિક યુવાનોને ઘરઆંગણે જ રોજગારી મળી રહે તેવા હેતુથી યોજાયેલા આ મેળાને ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો.
