જંબુસર તાલુકાના મંગણાદ ગામ પાસે નીલગાય રોડ પર આડી ઉતરતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાઇક સવારનું મોત નીપજ્યું છે. નીલગાય સાથેની અથડામણ બાદ બાઇક સવાર સામેથી આવતી ફોર વ્હીલર સાથે ભટકાયા હતા, જેમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર મળે તે પહેલાં જ તેમનો શ્વાસ રૂંધાયો હતો.

ઘટનાની વિગત મુજબ, વિજયભાઈ ખુમાનસંગ બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રોડ પર નીલગાય આવી ચઢતા અકસ્માત સર્જાયો હતો. નીલગાય સાથે ભટકાયા બાદ વિજયભાઈએ સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેમને ૧૦૮ મારફતે જંબુસર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જંબુસર પંથકમાં વધી રહેલા નીલગાયોના ત્રાસ અને તેના કારણે થતા મોતોને લઈ સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જંબુસર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

