ભરૂચના ભોલાવ વિસ્તારમાં છેલ્લા ત્રણ સપ્તાહથી મોતના મુખમાં ધકેલાયેલા એક અબોલ શ્વાનનો જીવદયા પ્રેમીઓ અને વન વિભાગે ભારે જહેમત બાદ જીવ બચાવ્યો છે. ભોલાવ પંચાયતના ધર્મનગર પાસે એક શ્વાનના મોઢામાં પ્લાસ્ટિકની બરણી ફસાઈ ગઈ હતી, જેના કારણે તે ૨૧ દિવસથી અન્ન-જળ વિના પીડાતું હતું. આખરે સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા શ્વાનને મુક્ત કરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.

ઘટનાની વિગત મુજબ, ખોરાકની શોધમાં શ્વાનનું મોઢું પ્લાસ્ટિકની બરણીમાં ફસાઈ ગયું હતું. આ અંગેની જાણ સ્થાનિક રહીશ પાર્થ પરીખે નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરી હતી. ઝાડી-ઝાંખરાવાળો વિસ્તાર હોવાથી શ્વાનને પકડવું મુશ્કેલ બન્યું હતું, પરંતુ હિંમત હાર્યા વગર વન વિભાગની મદદ લેવામાં આવી હતી. ગત રાત્રિએ ટીમે વ્યૂહાત્મક રીતે રેસ્ક્યૂ કરી શ્વાનને પકડી લીધું હતું અને સાવચેતીપૂર્વક તેના મોઢામાંથી બરણી કાપીને દૂર કરી હતી. ૨૧ દિવસની ભૂખ અને પીડા બાદ શ્વાનને નવજીવન મળતા જીવદયા પ્રેમીઓની આ કામગીરીને ભરૂચવાસીઓએ બિરદાવી છે.
