નેત્રંગ તાલુકાના ફોકડી ગામની સીમમાં નવી પથ્થરની લીઝ મંજૂર કરવાની હિલચાલ સામે સ્થાનિક આદિવાસી ખેડૂતોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. ફોકડી અને વડપાન ગામની સીમમાં આવેલી જમીન પર લીઝની પ્રક્રિયાનો વિરોધ કરતા ખેડૂતોએ આજે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, જો અહીં લીઝ શરૂ થશે તો ખેડૂતોની ખેતી અને રહેણાંક મકાનો પર મોટું જોખમ ઊભું થશે.

ખેડૂતોની રજૂઆત મુજબ, લીઝ માટે જે સર્વે નંબરની પ્રક્રિયા ચાલી રહી છે તેની આસપાસ તમામ આદિવાસી ખેડૂતોની ખેતીની જમીન આવેલી છે. જો પથ્થર કાઢવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવશે તો ફોકડી, વડપાન અને ભોટનગર ગામના પરિવારોના કાચા મકાનો અને સરદાર આવાસોને નુકસાન થશે. ઉપરાંત, આ વિસ્તારમાંથી વીજ કંપનીની હાઈ-ટેન્શન લાઈન પણ પસાર થાય છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર છે. ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી છે કે લીઝના કારણે ભૂગર્ભ જળના સ્તર ઊંડા જશે અને પર્યાવરણને નુકસાન થતા તેમનો જીવનનિર્વાહ મુશ્કેલ બનશે. ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા આ ગામોના હિતમાં સરકાર આ લીઝને મંજૂરી ન આપે તેવી માંગ સાથે ખેડૂતોએ લડતની ચીમકી ઉચ્ચારી છે.
