સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ અમદાવાદના શેલા-બોપલ રોડ પરથી ઝડપાયેલા હાઈબ્રીડ ગાંજાના કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી મુખ્ય વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે. લક્ઝુરિયસ મર્સિડીઝ કારમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા ભાવનગર અને અમદાવાદના બે શખ્સોને SMCની ટીમે દબોચી લઈ ₹૩૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઘટનાની વિગત મુજબ, ગત ૨૮ ડિસેમ્બરના રોજ શેલા વિસ્તારમાંથી ₹૧૫.૧૨ લાખની કિંમતનો ૪૩૨ ગ્રામ હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો, જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર ચિન્મય ઉર્ફે લાલો સોની (રહે. સાઉથ બોપલ, મૂળ ભાવનગર) અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર અર્ચિત અગ્રવાલ (રહે. એપલવુડ વીલા, શેલા) ફરાર હતા. SMC ની ટીમે બાતમીના આધારે આ બંને હાઈપ્રોફાઈલ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ગુનામાં વપરાયેલી ₹૩૦ લાખની મર્સિડીઝ કાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. હાઈબ્રીડ ગાંજાના આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ મોંઘાદાટ ડ્રગ્સનો સ્ત્રોત કયો છે, તે દિશામાં પોલીસ હવે સઘન તપાસ કરી રહી છે.

