ડભોઇ એ.પી.એમ.સીમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોનો સકારાત્મક પરિણામ સામે આવ્યું છે. વર્ષ 2025માં યોજાયેલી ડભોઇ એ.પી.એમ.સીની ચૂંટણીમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા પેનલ ઉતારવામાં આવી હતી, જેમાંથી ચાર ઉમેદવારો વિજયી થયા હતા. ચૂંટણીના પરિણામના દિવસે જ સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે એ.પી.એમ.સીના સ્થાપક ભાઇલાલા કાકાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ રહીશું.

આ જાહેરાતને હકીકતમાં સાકાર કરતાં ખેડૂત હિત રક્ષક સમિતિના ચાર સભ્યો તેમજ અન્ય સહયોગી સભ્યો દ્વારા ખેડૂતો માટે સી.સી.આઇ.ની પસંદગી કરવામાં આવી અને ખેડૂતોના માલની નિયમિત નોંધણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. પરિણામે માત્ર એક જ માસમાં ડભોઇ એ.પી.એમ.સીને આશરે ₹27 લાખ જેટલી શેષ ફીની આવક પ્રાપ્ત થઈ છે. આ આવક એ.પી.એમ.સીના ઈતિહાસમાં પ્રથમ વખત નોંધપાત્ર ગણાઈ રહી છે.
આ સિદ્ધિથી તાલુકાના ખેડૂતોમાં ઉત્સાહ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. ખેડૂતો ખેડૂત હિત રક્ષક સમિતિ તથા અન્ય સભ્યોની કામગીરીના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આ અવસરે એ.પી.એમ.સીના સ્થાપક ભાઇલાલા કાકાની સ્મૃતિને શાલ અને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન “જય કિસાન” અને “જય જવાન”ના ગગનભેદી નારા પણ લગાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ખેડૂત હિત રક્ષક સમિતિના ચૂંટાયેલા સભ્યો ધવલભાઇ પટેલ, દીક્ષિતભાઇ પટેલ, ગૌરાંગ પટેલ, વિષ્ણુ પટેલ, પ્રવીણ પટેલ, ધીરેન પટેલ, જયેશ પટેલ, રાજુ પટેલ, શૈલેષ પટેલ તેમજ સમિતિના અન્ય ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવનાર સમયમાં ખેડૂતોને વધુ સુવિધા અને સેવાઓ મળી રહે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી

