અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમમાં ગત મંગળવારે ઝડપાયેલા ₹15.16 લાખના વિદેશી દારૂના પ્રકરણમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ એક આરોપીને ઝડપી પાડી જેલભેગો કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા સુરતના ઝાલુનાથ સુવાનાથ યોગીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, ભરૂચ LCBની ટીમ પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ભરણ ગામના વૈજનાથ મંદિર પાસે તળાવ કિનારે દરોડો પાડ્યો હતો. સ્થળ પર સ્વિફ્ટ કારમાંથી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું, પરંતુ પોલીસને જોઈ દારૂ મંગાવનાર અને ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂ-બિયરની કુલ 5,340 બોટલ અને કાર મળી કુલ ₹17.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં વોન્ટેડ આરોપીઓની શોધખોળ દરમિયાન LCBએ સુરતના આરોપીને દબોચી લીધો છે. પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
