ગ્રીનલૅન્ડના મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદને વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે. ટ્રમ્પે મક્કમતાપૂર્વક જણાવ્યું છે કે તેઓ હવે આ મામલે સહેજ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. તેમની આ ચેતવણી સ્પષ્ટ સંકેત આપે છે કે ગ્રીનલૅન્ડ પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકા કોઈપણ માર્ગ અપનાવી શકે છે-પછી ભલે તે સમજાવટનો હોય કે બળજબરીનો.

રશિયા અને ચીનનો ડર બતાવ્યો
યુરોપીય દેશોને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે, ‘અમે ગ્રીનલૅન્ડના મુદ્દે ચોક્કસપણે પગલાં ભરીશું, પછી ભલે અન્ય દેશોને તે ગમે કે ન ગમે. ટ્રમ્પના મતે, જો અમેરિકા ગ્રીનલૅન્ડ પર નિયંત્રણ નહીં મેળવે, તો રશિયા અથવા ચીન તેના પર કબજો કરી લેશે. અમેરિકા કોઈપણ સંજોગોમાં આ ગ્રીનલૅન્ડને રશિયા કે ચીનના હાથમાં જવા દેવા માંગતું નથી.
ટ્રમ્પની આરપારની લડાઈ: ‘પ્રેમથી માનો અથવા મુશ્કેલ રસ્તા માટે તૈયાર રહો’
વ્હાઇટ હાઉસમાં બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું, ‘હું ગ્રીનલૅન્ડ અંગે સમજૂતી દ્વારા સરળ રસ્તો અપનાવવા માંગુ છું. પરંતુ જો તેમ નહીં થાય, તો અમે મુશ્કેલ રસ્તો અપનાવતા પણ અચકાઈશું નહીં. જ્યારે કોઈ વસ્તુ અમારી સુરક્ષા માટે જરુરી હોય, ત્યારે અમે તેની રક્ષા કરીએ છીએ.’ ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ડેનમાર્ક કે ગ્રીનલૅન્ડના લોકોની સહમતિ હોય કે ન હોય, અમેરિકા ત્યાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા મક્કમ છે.
શા માટે અમેરિકાને ગ્રીનલૅન્ડમાં રસ છે?
અમેરિકા માટે ગ્રીનલૅન્ડનું મહત્ત્વ માત્ર એક ભૌગોલિક ટાપુ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વ્યૂહાત્મક અને આર્થિક દૃષ્ટિએ અત્યંત નિર્ણાયક છે. આર્કટિક ક્ષેત્રમાં સ્થિત ગ્રીનલૅન્ડ ખનીજ સંપત્તિનો અખૂટ ભંડાર ધરાવે છે, જેમાં સોનું, હીરા અને ખાસ કરીને આધુનિક ટૅક્નોલૉજી માટે અનિવાર્ય એવા ‘રેર અર્થ મેટલ્સ’નો સમાવેશ થાય છે. આ સંસાધનો પર નિયંત્રણ મેળવવું એ અમેરિકાના આર્થિક ભવિષ્ય માટે મહત્ત્વનું છે.
તેમજ આર્કટિકમાં રશિયા અને ચીનની સતત વધી રહેલી સૈન્ય ગતિવિધિઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે પડકારરુપ બની રહી છે. ઉત્તર અમેરિકાની રક્ષા માટે ગ્રીનલૅન્ડ એક અભેદ્ય કિલ્લા સમાન વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે, જેના પર નિયંત્રણ હોવું અમેરિકા માટે અનિવાર્ય છે જેથી તે આ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત રાખી શકે અને પ્રતિસ્પર્ધી દેશોના પ્રભાવને રોકી શકે.

