શહેરના જાણીતા બિલ્ડરને પ્રેમજાળમાં ફસાવી, અંગત પળોનો વીડિયો ઉતારી ₹10 કરોડની ખંડણી માંગવાના મસમોટા ષડયંત્રનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે ‘સત્યા ટાઈમ્સ’ના તંત્રી અને ગુજરાત NCPના ઉપપ્રમુખ અશ્વિન ચૌહાણ સહિત મુખ્ય સૂત્રધાર સુનિતા ઉર્ફે એની રાજપૂતની ધરપકડ કરી છે. સ્પાય કેમેરાથી રેકોર્ડ કરેલા વીડિયોના આધારે બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી કરોડો રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવ્યો હતો.

ઘટનાની વિગત મુજબ, ફરિયાદી બિલ્ડરનો સંપર્ક 6 મહિના પહેલા એક યુવતી સાથે થયો હતો. આ યુવતીએ બિલ્ડરને સુનિતા રાજપૂતના ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેનું શૂટિંગ સુનિતાએ સ્પાય કેમેરાથી કરી લીધું હતું. ત્યારબાદ પત્રકાર અને રાજકીય નેતા અશ્વિન ચૌહાણે બિલ્ડરને વોટ્સએપ પર વીડિયો મોકલી ₹50 કરોડની માંગણી કરી હતી, જે રકઝક બાદ ₹10 કરોડ પર નક્કી થઈ હતી. બ્લેકમેઈલિંગથી કંટાળેલા બિલ્ડરે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરતા સાયબર ક્રાઈમે છટકું ગોઠવી બે આરોપીઓને દબોચી લીધો હતો. તપાસમાં સામે આવ્યું છે કે સુનિતા અને તેના ફરાર પ્રેમી પ્રેમજીત ગિલે આ આખું કાવતરું રચ્યું હતું. હાલ પોલીસ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે અને પકડાયેલા આરોપીઓના ફોનમાંથી મહત્વના પુરાવાઓ જપ્ત કર્યા છે.

