વડોદરામાં આજે (11મી જાન્યુઆરી) 15 વર્ષના લાંબા અંતરાલ બાદ આંતરરાષ્ટ્રીય મેન્સ ક્રિકેટનો પુનઃ પ્રારંભ થઈ રહ્યો છે. શહેરના કોટંબી સ્થિત નવનિર્મિત બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA) સ્ટેડિયમ ખાતે રવિવારે બપોરે 1 વાગ્યે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડે-નાઈટ વન-ડે મેચ રમાશે. આ નવા સ્ટેડિયમમાં યોજાનારી આ પહેલી આંતરરાષ્ટ્રીય મેન્સ મેચને લઈ ક્રિકેટરસિકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ટિકિટો ગણતરીની સેકન્ડોમાં સોલ્ડ આઉટ
વિરાટ કોહલી અને રોહિત શર્માને વડોદરાના મેદાન પર રમતા જોવા માટે પ્રેક્ષકો એટલા આતુર હતા કે ઓનલાઇન ટિકિટ વેચાણ શરૂ થતાની સાથે જ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. 30 હજારની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ આજે ખીચોખીચ ભરાયેલું રહેશે. વહેલી સવારથી જ ચાહકો વિરાટ અને રોહિતના ટી-શર્ટ તથા ટોપી પહેરી સ્ટેડિયમ તરફ ઉમટી પડ્યા હતા.રૂટ ડાયવર્ઝન અને ટ્રાફિક વ્યવસ્થા
સ્ટેડિયમ હાલોલ-વડોદરા હાઈવે પર હોવાથી ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા તરફ આવતા ભારે વાહનો પર મેચ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે. વાહનચાલકોએ જરોદ રેફરલ ચોકડીથી રાહકુઈ, રસુલાબાદ, રવાલ અને જેસંગપુરા પાટિયા થઈ આજવા ચોકડી તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત ટ્રાફિક, પાર્કિંગ અને એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરાયો છે.
કોટંબી સ્ટેડિયમનો ઐતિહાસિક દિવસ
અગાઉ આ સ્ટેડિયમમાં માસ્ટર લીગ અને ડબલ્યુપીએલ (WPL)ની મેચો સફળતાપૂર્વક રમાઈ હતી, જેના પરિણામે વડોદરાને હવે WPLની સેમિફાઈનલ અને ફાઈનલ સહિત 11 મેચોની યજમાની મળી છે. જો કે, આંતરરાષ્ટ્રીય મેન્સ ક્રિકેટ માટે આ સ્ટેડિયમનું આ ‘ડેબ્યુ’ છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ સાતમી જાન્યુઆરીથી વડોદરામાં હાજર છે. ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની સિરીઝ રમવા માટે ભારત આવી છે. ટી20 વર્લ્ડ કપ પૂર્વે આ વનડે સિરીઝ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

