અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગીર સોમનાથની પવિત્ર ધરતી પર આજે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે એક અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ભગવાન સોમનાથના દર્શન અને પૂજા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કરી રહ્યા છે. આ સભામાં ઉમટી પડેલા વિશાળ જનસાગરમાં રાષ્ટ્રભક્તિ અને ગૌરવનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે.

દીકરીની કલા અને વડાપ્રધાન પ્રત્યેની લાગણી
આ આયોજનમાં આકર્ષણનું કેન્દ્ર સોમનાથની એક દીકરી બની છે, જેણે પોતાની કલા દ્વારા વડાપ્રધાન પ્રત્યે અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુંદર પેન્સિલ સ્કેચ તૈયાર કર્યા છે. તેણે ગર્વ સાથે જણાવ્યું કે, મારો જન્મ સોમનાથની પવિત્ર ભૂમિ પર થયો છે તેનું મને અભિમાન છે, પરંતુ આજે વડાપ્રધાનની હાજરીથી આ ગૌરવ બમણું થઈ ગયું છે.
વૈશ્વિક ફલક પર સોમનાથનું ગૌરવ
સ્થાનિકોમાં એવી લાગણી પ્રબળ જોવા મળી રહી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રભાસની આ ધરતી અને સોમનાથ મંદિરને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે. સભામાં હાજર રહેલા લોકોમાં ‘અડગ સ્વાભિમાન’ અને ‘રાષ્ટ્ર ચેતના’નો સંગમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
જનમેદનીમાં રાષ્ટ્ર ભાવનાનો જુવાળ
વડાપ્રધાનને સાંભળવા માટે દૂર-દૂરથી લોકો ઉમટી પડ્યા છે. સભાસ્થળ ‘ભારત માતા કી જય’ અને ‘સોમનાથ મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. વડાપ્રધાને પણ જનતાના આ ઉમળકાને વધાવ્યો હતો અને સોમનાથના સાંસ્કૃતિક વારસાને વધુ સુદ્રઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

