અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની સીમમાં આવેલી ક્રિશ રેસિડેન્સીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹5 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી નાસી છૂટવામાં સફળ રહ્યા છે.

ઘટનાની વિગત મુજબ, કાપોદ્રા રોડ પરની ક્રિશ રેસિડેન્સીમાં રહેતા જશ્વાલ જયસિંહ પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયા હતા, જે તકનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનના પાછળના દરવાજા વાટે અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરના કબાટમાં રાખેલા કિંમતી ઘરેણાં અને ₹40,000ની રોકડ રકમ પર હાથફેરો કર્યો હતો. મકાનમાલિક પરત ફરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતા જ જીઆઇડીસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી છે.

