ધ્રાંગધ્રા શહેરમાં પીજીવીસીએલ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજપોલ અને ટ્રાન્સફોર્મર પર ઝાડી-ઝાંખરા અને વેલો ઊગી નીકળી છે. દર વર્ષે પ્રીમોનસૂન કામગીરીના નામે વૃક્ષોની ડાળીઓ કાપવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઇક અલગ જ છે.

ચરમાળીયા સોસાયટી જેવા વિસ્તારોમાં લાંબા સમયથી વીજપોલ વેલોથી ઢંકાયેલા હોવા છતાં તંત્ર નિદ્રાધીન હોય તેમ લાગે છે. ભારે પવનના કારણે આ વેલો અને ડાળીઓ વીજ વાયરો સાથે અથડાતા વારંવાર શોર્ટ સકટની ઘટનાઓ બને છે. જેના પરિણામે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. સ્થાનિકોની ફરિયાદ છે કે ફોલ્ટ સર્જાયા બાદ કલાકો સુધી સમારકામ કરવામાં આવતું નથી, જેને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. રહીશોએ માગ કરી છે કે પીજીવીસીએલ તાત્કાલિક અસરકારક કામગીરી કરી આ જોખમી વનસ્પતિ દૂર કરે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.

