​ARTICLE : મારે મૂર્ખ બનવું છે

0
26
meetarticle

​આજની ભાગદોડ ભરી દુનિયામાં દરેક માણસ ‘શાણો’ દેખાવાની હોડમાં લાગ્યો છે. કોઈને પૂછો તો કહેશે, “અરે સાહેબ, આપણે તો બધું સમજીએ છીએ!” પણ સાચું પૂછો તો, આ અતિશય ડહાપણ જ માણસના માનસિક તણાવનું કારણ બન્યું છે. એટલે જ આજે મને વિચાર આવ્યો કે દુનિયામાં બધાને હોશિયાર બનવું છે, પણ મારે મૂર્ખ બનવું છે. ચતુર માણસ હંમેશા ગણતરીમાં જીવે છે, જ્યારે મૂર્ખ માણસ મોજમાં જીવે છે. જે દિવસે તમે મૂર્ખ બનવાનું સ્વીકારી લો, તે દિવસે દુનિયાની અડધી ચિંતાઓ ગાયબ થઈ જાય છે. મૂર્ખ હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારી પાસે કોઈ અપેક્ષા નથી રાખતું!
​ચતુર શેઠ અને ભોળા નોકરનો કિસ્સો
​એક નગરમાં એક બહુ જ ચતુર અને લંપટ શેઠ રહેતા હતા. શેઠ એટલા લોભી કે વાત ન પૂછો! એમણે એક વખત એક નવા નોકરને રાખ્યો. શેઠે વિચાર્યું કે આને મૂર્ખ બનાવીને ડબલ કામ કઢાવીશ.
​એક દિવસ શેઠે નોકરને બોલાવીને કહ્યું, “જો ભાઈ, હું તને માસિક ૫૦૦ રૂપિયા પગાર આપીશ, પણ શરત એટલી કે તારે બે માણસનું કામ કરવાનું. એક મારું અને બીજું તારું પોતાનું!”
​નોકર ભોળો હતો, એણે હા પાડી દીધી. થોડા દિવસ પછી શેઠે જોયું કે નોકર અડધો દિવસ કામ કરે છે અને અડધો દિવસ સૂઈ રહે છે. શેઠે ગુસ્સે થઈને પૂછ્યું, “કેમ અલ્યા, અડધો દિવસ કેમ સૂઈ રહે છે?”
​નોકર બહુ શાંતિથી બોલ્યો, “શેઠ, તમે જ તો કીધું હતું કે બે માણસનું કામ કરવાનું. સવારથી બપોર સુધી મેં તમારું કામ પૂરું કરી દીધું, અને અત્યારે હું ‘મારું પોતાનું’ કામ કરું છું, અને મારું અત્યારનું કામ છે ‘આરામ કરવાનું’!”
​શેઠ પોતાની જ ચતુરાઈમાં ફસાઈ ગયા અને જોતા રહી ગયા. ખરેખર, ક્યારેક અતિ ચતુરાઈ પણ માણસને ઉંધા રસ્તે દોરી જાય છે.
​ચિંતન કણિકા
​લોકો કહે છે કે દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે, પણ મને લાગે છે કે:
​”ગણતરીની આ દુનિયામાં, બસ થોડું મૂર્ખ રહેવું છે,
બધાને જીતવું છે અહીં, મારે હારીને પણ વહેવું છે.”
​જ્યારે આપણે મૂર્ખ બનીએ છીએ (અથવા દેખાઈએ છીએ), ત્યારે આપણે અન્યના અહંકારને ઠેસ નથી પહોંચાડતા. મૂર્ખ માણસ નિખાલસ હોય છે, તે હસી શકે છે અને બીજાને હસાવી શકે છે. તેને ખબર હોય છે કે છેલ્લે તો ખાલી હાથે જ જવાનું છે, તો પછી આટલી બધી લમણાઝીંક શું કામ?
​બોધ
​અતિ ચતુરાઈ કાયમ કામ નથી આવતી. જીવનમાં ક્યારેક ભોળા અને ‘મૂર્ખ’ બનીને રહેવામાં જ સાચી શાંતિ અને સાચો આનંદ છુપાયેલો છે. યાદ રાખજો, જે માટી નરમ હોય છે ત્યાં જ અંકુર ફૂટે છે, પથ્થર જેવા કઠણ ડહાપણમાં નહીં.


​લેખક અશ્વિન ગોહિલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here