WORLD : અમેરિકામાં આઈસીઈ એજન્ટો વિરુદ્ધ જનતાના દેખાવો ઉગ્ર બન્યા

0
17
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન વિરોધી નીતિના ભાગરૂપે કાર્યવાહી કરવા જતાં ફેડરલ ઇમિગ્રેશન અધિકારી દ્વારા મિનિયાપોલીસમાં એક મહિલા અને ઓરેગનના પોર્ટલેન્ડમાં બે દેખાવકારોને ગોળી મારવાના વિરોધમાં જનતાનો આક્રોશ ભડક્યો છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના ઈમિગ્રેશન અધિકારીઓ આઈસીઈ એજન્ટો વિરુદ્ધ આખા દેશમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે ત્યારે મિનેસોટાના નેતાઓએ દેખાવાકોરને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની હાકલ કરી હતી. મિનેસોટાના શહેર મિનિયાપોલિસમાં ગેરકાયદે વસાહતીઓની ધરપકડ માટે નિયુક્ત ફેડરલ ઈમિગ્રેશન (આઈસીઈ) એજન્ટોએ બુધવારે એક કાર્યવાહીમાં અમેરિકન મહિલા રેની ગૂડની હત્યા કર્યા પછી આ શનિવારે માત્ર મિનિયાપોલિસ જ નહીં આખા અમેરિકામાં લાખો લોકો વિરોધ પ્રદર્શન કરતાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. મિનિયાપોલિસમાં આઈસીઈ એજન્ટો વિરુદ્ધ યોજાયેલા દેખાવોમાં જોડાયેલી બે સંતાનોની માતા મેઘન મૂરે જણાવ્યું કે, અમે હાલ અત્યંત ભય હેઠળ જીવી રહ્યા છીએ. આઈસીઈ એજન્ટો એવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે જ્યાં કોઈ સલામત અને સુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા નથી અને આ અસ્વીકાર્ય છે.

બીજીબાજુ ટ્રમ્પ સરકારે મિનિયાપોલીસ અને પોર્ટલેન્ડમાં આઈસીઈ એજન્ટો દ્વારા કરાયેલા ગોળીબારનો બચાવ કર્યો હતો. ટ્રમ્પ સરકારે જણાવ્યું કે, આઈસીઈ અધિકારીઓએ તેમના સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. જેમને ગોળી મારવામાં આવી તેમણે પોતાના વાહનનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો હતો અને તેમની કાર આઈસીઈ એજન્ટો પર ચઢાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ટ્રમ્પ સરકારના નિવેદન બાદલ લોકોનો ગુસ્સો વધુ ઉગ્ર બન્યો હતો. રેને ગૂડની હત્યા પછી મિનેસોટા સુધી મર્યાદિત રહેતા દેખાવો ચાર દિવસમાં આખા અમેરિકામાં ફેલાઈ ગયા છે. ટેક્સાસ, કેનસાસ, ન્યૂ મેક્સિકો, ઓહાયો, ફ્લોરિડા, ન્યૂયોર્ક, વોશિંગ્ટનથી લઈને કેલિફોર્નિયાના લોસ એન્જલસ સહિતના શહેરોમાં લોકો દેખાવો કરવા રસ્તા પર ઉતર્યા હતા અને તેમણે આઈસીઈ એજન્ટોની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here