ઇરાનમાં કટ્ટરવાદી ઇસ્લામિક શાસન, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને નબળી આર્થિક સ્થિતિ સહિતના મુદ્દે જનતા બે સપ્તાહથી આંદોલન કરી રહી છે. આ આંદોલનને કચડી નાખવાના ખામેનેઇ પ્રશાસનના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે. મૃત્યુ પામેલા આંદોલનકારીઓનો આંકડો 550ને પાર ગયો છે જેમાં 100 જેટલા પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ 10 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આંદોલનકારીઓએ લંડનમાં ઇરાનના ઇસ્લામિક શાસનનો ઝંડો ફાડી નાખ્યો હતો, ઉપરાંત તેહરાનમાં એક પોલીસ સ્ટેશન અને એક મસ્જિદને આગને હવાલે કરી દીધી હતી.

ઇરાનમાં આંદોલનકારીઓ પર ગોળીબાર કરવાને પગલે હવે અમેરિકા ગમે ત્યારે ઇરાન સામે સૈન્ય કાર્યવાહી કરી શકે છે. અમેરિકા હુમલા કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો વચ્ચે જ ઇરાને ધમકી જાહેર કરી છે અને કહ્યું છે કે જો અમેરિકાએ હુમલો કર્યો તો અમે ઇઝરાયેલ અને અમેરિકા બન્ને પર હુમલા કરીને વળતો જવાબ આપીશું. ઇરાનના ઇસ્લામિક રિવલ્યૂશનરી ગાર્ડના પૂર્વ કમાન્ડર અને પ્રવક્તા મોહમ્મદ બાકર કાલિબાફે કહ્યું હતું કે જો ઇરાન પર હુમલો કરવામાં આવ્યો તો અમેરિકાના મથકો, જહાજો, (કબજે કરેલો વિસ્તાર) ઇઝરાયેલ વગેરે અમારા મુખ્ય નિશાના પર રહેશે. જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે ઇરાનમાં જે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે તેના પર અમારી ચાંપતી નજર છે. સમગ્ર ઇરાનમાં આઝાદીનું આંદોલન ચાલી રહ્યું છે.
આ ધાક ધમકીઓ વચ્ચે ઇરાનના નાગરિકો આંદોલન વધુ ઉગ્ર બનાવવા લાગ્યા છે. આંદોલનકારીઓને સીધી આંખોમાં ગોળીઓ મારવામાં આવી રહી હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે. ઇરાનના કાશન શહેરના એક ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે મારી પાસે અનેક એવા ઘાયલ પ્રદર્શનકારીઓ આવ્યા છે કે જેમને આંખોમાં ગોળી મારવામાં આવી હોય. શિરાઝ સહિતના શહેરોમાં અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે જેમની સારવાર માટે હાલ હોસ્પિટલોમાં ડોક્ટરોની ભારે અછત જોવા મળી રહી છે. ઘાયલોને ચડાવવા માટે પુરતુ લોહી નથી મળી રહ્યું.
પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવા માટે સ્નાઇપર્સનો ઉપયોગ થઇ રહ્યો છે, જ્યારે સુરક્ષા ગાર્ડને સૈન્યની બંદુકો અપાઇ રહી છે. લોકો પર નજર રાખવા માટે મોટા પ્રમાણમાં ડ્રોનનો ઉપયોગ થઇ રહ્યો છે. હાલમાં ઇરાનના 200 જેટલા શહેરો સુધી આ આંદોલન પહોંચી ગયું છે. બીજી તરફ લંડનમાં સ્થિત ઇરાનના હાઇ કમિશન પર ઇરાનના નાગરિકો ચડી ગયા હતા, અને ઇરાનનો હાલનો ઇસ્લામિક શાસનવાળો ઝંડો ઉતારી લીધો હતો અને અગાઉનો સિંહના પ્રતિકવાળો ઝંડો ફરકાવી દીધો હતો. આંદોલનકારી મુસ્લિમો ઇસ્લામિક કટ્ટરવાદથી એટલા કંટાળ્યા છે કે હવે મસ્જિદોને નિશાન બનાવી રહ્યા હોવાના અહેવાલો છે. ધ માલ્ટેસ હેરાલ્ડના રિપોર્ટ મુજબ માત્ર રાજધાની તેહરાનમાં જ ૨૫થી વધુ મસ્જિદોને આગને હવાલે કરી દેવામાં આવી છે.

