GUJARAT : છોટાઉદેપુરના બૈડવી ગામે AAP ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં “પરિવર્તન સભા” યોજાઈ

0
27
meetarticle

છોટાઉદેપુર જિલ્લાના બૈડવી ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, છોટાઉદેપુર લોકસભા પ્રભારી મુકેશ બારીયા અને છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ પણ હાજરી આપી હતી અને એ જોઈને સ્પષ્ટપણે કહી શકાતું હતું કે છોટાઉદેપુરમાં પરિવર્તન આવી રહ્યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જનતા સમક્ષ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા કે વડોદરા જિલ્લાના ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે સરકારી તંત્રમાં કલેકટર, ડીડીઓ, ટીડીઓ સહિત અનેક અધિકારીઓ ધારાસભ્યની વાત પણ માનતા નથી અને તેમના કામ કરતા નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે સરકારમાં કેટલાક અધિકારીઓ અને દિલ્હીમાં બેઠેલા રિંગ માસ્ટરોના કહેવા પ્રમાણે જ સરકાર ચાલે છે અને એ લોકોની અંદરની લડાઈમાં જનતાના કામ થતા નથી. જો ધારાસભ્યની વાત અધિકારીઓ સાંભળતા ન હોય તો સામાન્ય માણસની વાત કોણ સાંભળશે? તો હવે આપણે આ સરકારને કે અધિકારીઓને વિનંતી કરવાની નથી પરંતુ આપણે સાથે મળીને ભાજપ સરકારને જ બદલી નાંખવાની છે. સમગ્ર ગુજરાતમાં લોકોનો આક્રોશ હતો અને લોકો ફરિયાદ કરી રહ્યા હતા કે કામ નથી થઈ રહ્યા, તો સરકારે બધા જ મંત્રીઓને ઘરે બેસાડી દીધા અને નવું મંત્રીમંડળ બનાવી દીધું. પરંતુ આપણા વડીલો કહેતા હતા એમ “ભેંસ ઓછું દૂધ આપતી હોય તો ખીલો બદલવાથી કશું નહીં થાય, ભેંસ જ બદલવી પડે” તો એ જ પ્રમાણે મંત્રીમંડળ બદલવાથી જનતાના કામ નહીં થાય, આપણે સરકાર જ બદલી નાંખવી પડશે.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, હું આપ સૌને કહેવા માગું છું કે આપ તમામ લોકો પોતાની અંદરથી જ સારા સારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો નક્કી કરો. આપણા સારા ઉમેદવારોને જીતાડીને આપણા વિસ્તારના સારા કામ કરવામાં આવે, લોકોની સેવા કરવામાં આવે એવી મારી અપીલ છે. કોંગ્રેસે 50 વર્ષ શાસન કર્યું ભાજપે 30 વર્ષથી શાસન કર્યું અને તેમ છતાં પણ આપણને જાણે નાગરિક જ ન ગણવામાં આવતા હોય એમ હાથ જોડવા પડે છે. તો આવી વ્યવસ્થા અને આવા શાસનની આપણને હવે જરૂરત નથી. મનરેગા યોજનામાં આપણા લોકોને 100 દિવસની રોજગારી મળતી હતી પરંતુ ભાજપના નેતા બચુ ખાબડના દીકરા અને કોંગ્રેસના નેતા હીરા જોટવાએ કરોડોનું કૌભાંડ કરી નાખ્યા. આવી જ રીતે ભ્રષ્ટાચાર થાય છે જેના કારણે આપણા લોકોએ બિસ્તરા પોટલા લઈને શહેરોમાં જવું પડે છે. પરંતુ આ પરિસ્થિતિ બદલવા માટે હવે પરિવર્તન લાવવું પડશે. તમારા માટે અમે સતત લડત લડતા હોઈએ છીએ તો હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એમાં અમને તમારા સાથની જરૂરત છે. અમે તમને ખાતરી આપીએ છીએ કે સમાજ માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડત લડીશું… રિપોર્ટર ઈરફાન મકરાણી કદવાલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here