શહેરની પટેલ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી દેખા દેતા શાહુડી પરિવાર પૈકી વધુ બે શાહુડીઓ ગત રાત્રે આશરે ૮ વાગ્યાના અરસામાં પાંજરે પુરાઈ છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ ૩ શાહુડીઓને સુરક્ષિત રીતે રેસક્યુ કરવામાં સફળતા મળી છે. સ્થાનિક રહીશોની જાગૃતિ અને વન વિભાગના સંકલનથી આ ઓપરેશન પાર પડ્યું હતું.

ભરૂચ વન વિભાગના ડાભીભાઇના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ મિશનમાં, છેલ્લા ૨૫ વર્ષથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત અને ગાંધીનગર વન વિભાગ દ્વારા નિમાયેલા વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષભાઇ શર્માની મહત્વની ભૂમિકા રહી હતી. તેમની સાથે નેચર પ્રોટેક્શન ક્લબના ઉત્સાહી સભ્યો યોગેશ મિસ્ત્રી, રમેશ દવે તથા કસક વિસ્તારની જીવદયા ટીમ અને પટેલ સોસાયટીના સેવાભાવી રહીશોએ ખભેખભા મિલાવી જહેમત ઉઠાવી હતી.

