મહુધા-નડિયાદ રોડ ઉપર મંગલપુર સીમમાંથી રોડની સાઈડ પર ઉભી રહેલી આઇસરમાંથી વિદેશી બિયર નંગ ૩,૭૨૦ અને વિદેશી દારૂ નંગ ૨,૨૫૬ મળી કુલ રૂ.૧૪,૩૮,૮૦૦નો જથ્થો ખેડા એલસીબીએ ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા એલસીબી રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મહુધા-નડિયાદ રોડ ઉપર મંગલપુર સીમમાં માધવ હોટલ સામે રોડની સાઈડમાં એક આઇસર ગાડી ઉભી છે. આ બાતમી મળતા એલસીબી ખેડા પોલીસે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સુમારે મંગલપુર સીમ રોડની સાઈડ પર ઉભેલ આઇસર ગાડીની તલાસી લેતા તેમાં ડ્રાઇવર મળી આવ્યો ન હતો. જેથી આઇસર ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ બિયર ટીન નંગ ૩,૭૨૦ કિંમત રૂ.૮,૧૮,૪૦૦ તેમજ વિદેશી દારૂના ક્વાર્ટર નંગ ૨,૨૫૬ કિંમત રૂ.૬,૨૦,૪૦૦નો મળી કુલ રૂ.૧૪,૩૮,૮૦૦નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂ તેમજ રૂપિયા દસ લાખની આઇસર ગાડી મળી કુલ રૂ.૨૪,૩૯,૩૦૦નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ આઇસર ગાડી ક્યાંથી દેશી દારૂ ભરીને આવી તેમજ આ વિદેશી દારૂ ક્યાં ઉતારવાનો હતો તેને લઈ રહસ્ય અકબંધ રહ્યું છે. આ અગાઉ મહુધા પોલીસે નાની ખડોલ નજીકથી ટ્રક ચાલકને વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ઝડપી પાડયો હતો. જ્યારે દારૂ મંગાવનાર બુટલેગરોને ઝડપી પાડવામાં પોલીસ નિષ્ફળ રહ્યું હતું. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

