ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ‘ફ્રીડમ ડે કેર સેન્ટર’, ધોળકા મુકામે તા-13 જાન્યુઆરી 2026, મંગળવાર મકરસંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પરંપરાગત ઉજવણીની સાથે સામાજિક જવાબદારી અને પક્ષી બચાવોના સંદેશ સાથે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગુજરાત કોલેજથી ઇન્ટર્નશિપ માટે આવેલી વિદ્યાર્થીનીઓ દ્વારા કેન્દ્રના બાળકોને મકરસંક્રાંતિની સાથે સાથે દક્ષિણ ભારતના ‘પોંગલ’ અને પંજાબના ‘લોહરી’ પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ બાળકોને પતંગ ચગાવતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ‘ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો’ અને ‘પક્ષીઓ પ્રત્યે કરુણા દાખવવી’ તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઇન્ટર્નશિપની વિદ્યાર્થીનીઓ અને બાળકોએ સાથે મળીને જનજાગૃતિ ફેલાવતા વિવિધ સ્લોગન જેવા કે:
“ગગનમાં ભલે પતંગ લહેરાય, કોઈ પંખી ઘાયલ ના થાય”
“પક્ષી બચાવો, કરુણા દાખવો”
“ચાઈનીઝ દોરીને કહો ના”
આવા સૂત્રો સાથેની પ્લેકાર્ડ્સ બનાવી બાળકો સાથે સાંકળ રચીને જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ઉજવણીના અંતે તમામ બાળકો, સ્ટાફ મિત્રો અને ઇન્ટર્નશિપની વિદ્યાર્થીનીઓએ સાથે મળીને ગુજરાતી પરંપરા મુજબ ઊંધિયું-પૂરી અને જલેબીની જયાફત માણી હતી. કાર્યક્રમના સમાપન પર સંસ્થાના પ્રમુખ ભાવિનભાઈ પરમાર દ્વારા ઉપસ્થિત સૌને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

