અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની મહત્વાકાંક્ષા હવે એક ગંભીર ધમકીમાં પરિણમી છે. જ્યારે ગ્રીનલેન્ડે સ્પષ્ટપણે કહ્યું કે તે વેચાઉ નથી, ત્યારે ટ્રમ્પે ત્યાંના પ્રીમિયર (વડાપ્રધાન)ને સીધી ધમકી આપી છે, જેના કારણે ગ્રીનલેન્ડમાં ભય અને બેચેનીનો માહોલ છે. ટ્રમ્પના આક્રમક તેવરને કારણે એવી આશંકા સેવાઈ રહી છે કે અમેરિકા વેનેઝુએલા જેવી કોઈ કાર્યવાહી કરી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ડેનમાર્ક અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.

શું છે સમગ્ર મામલો?
ગ્રીનલેન્ડમાં સરકારના વડાને ‘પ્રીમિયર’ કહેવામાં આવે છે. હાલમાં, જેન્સ-ફ્રેડરિક નીલસન આ પદ પર છે. મંગળવારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રીનલેન્ડ ખરીદવાના પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢતા કહ્યું હતું કે, “ગ્રીનલેન્ડ વેચાઉ નથી. અમે અમેરિકન બનવા નથી માંગતા, અમે ડેનિશ નથી બનવા માંગતા, અમે ગ્રીનલેન્ડર જ રહેવા માંગીએ છીએ. ગ્રીનલેન્ડનું ભવિષ્ય તેના લોકો જ નક્કી કરશે.”
નીલસનના આ બે ટુકા જવાબ પર જ્યારે એક પત્રકારે ટ્રમ્પને સવાલ કર્યો, ત્યારે તેમણે ધમકીભર્યા સ્વરમાં જવાબ આપ્યો, “ઠીક છે, તે તેમની સમસ્યા છે. હું તેમની સાથે અસંમત છું. હું નથી જાણતો કે તે કોણ છે. મને તેમના વિશે કંઈ ખબર નથી. પરંતુ આ તેમના માટે એક મોટી સમસ્યા બનવા જઈ રહી છે.” ટ્રમ્પની આ ધમકીને હળવાશથી લેવામાં આવી રહી નથી, કારણ કે ભૂતકાળમાં તેમણે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો સામે જે પ્રકારનું કડક વલણ અપનાવ્યું હતું, તે જોતાં ગ્રીનલેન્ડમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ગ્રીનલેન્ડમાં ડરનો માહોલ
પ્રીમિયર નીલસન ભલે જાહેરમાં અમેરિકી દખલગીરીનો વિરોધ કરી રહ્યા હોય, પરંતુ ટ્રમ્પની ધમકીની અસર ગ્રીનલેન્ડની જનતા અને સરકાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગ્રીનલેન્ડના ખનીજ સંસાધન મંત્રી, નાજા નથાનિયલ્સને સ્વીકાર્યું કે, “ટ્રમ્પની ધમકીઓ પછી ગ્રીનલેન્ડની જનતાની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે.”
ટ્રમ્પ શા માટે ગ્રીનલેન્ડ ખરીદવા માંગે છે?
ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી દલીલ કરી રહ્યા છે કે ગ્રીનલેન્ડનું સ્થાન વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે ખનીજ સંપત્તિથી ભરપૂર છે. તેમનો ડર છે કે જો અમેરિકા તેને નહીં ખરીદે તો રશિયા કે ચીન આર્કટિક ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારીને તેના પર કબજો કરી શકે છે. ટ્રમ્પનું માનવું છે કે આ ક્ષેત્રમાં માત્ર અમેરિકી સૈન્યની હાજરી પૂરતી નથી, પરંતુ તેની માલિકી જ અમેરિકાના હિતમાં છે.
ભૌગોલિક અને રાજકીય સ્થિતિ
ગ્રીનલેન્ડ ડેનમાર્ક સામ્રાજ્યનો એક સ્વાયત્ત પ્રદેશ છે. કાયદાકીય રીતે, ગ્રીનલેન્ડના તમામ નાગરિકો ડેનમાર્કના નાગરિક છે. હવે આ મુદ્દે ડેનમાર્ક અને અમેરિકા આ અઠવાડિયે ચર્ચા કરવા માટે મળવાના છે, જેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

