NATIONAL : શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સમાં રાહતની કરી માંગ

0
31
meetarticle

કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે સરકાર સમક્ષ એક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં તેલ અને ગેસના સ્થાનિક ઉત્પાદન લક્ષ્યાંકને હાંસલ કરવાનો છે. મીડિયા અહેવાલ મુજબ, મંત્રાલયે ભલામણ કરી છે કે તેલ-ગેસ ક્ષેત્રના ટેક્સ માળખાને વૈશ્વિક ધોરણો મુજબ સુધારવામાં આવે અને અસરકારક ટેક્સ રેટ ઘટાડીને 35%થી 40%ની મર્યાદામાં લાવવામાં આવે. મંત્રાલયનું માનવું છે કે ઊંચા ટેક્સ અને અસ્થિર નીતિઓને કારણે રોકાણકારોનો ઉત્સાહ ઓછો થાય છે, તેથી આગામી બજેટમાં ટેક્સ રેટ અને રોયલ્ટી અંગે મોટા નિર્ણયો લેવા જરૂરી છે.

ટેક્સના બોજમાં ઘટાડાની માંગ

આ પ્રસ્તાવમાં ખાસ કરીને જૂના બ્લોક્સ(Pre-NELP) પરના ટેક્સના બોજને ઘટાડવાની માંગ કરવામાં આવી છે, કારણ કે દેશના કુલ ઉત્પાદનનો લગભગ 90% હિસ્સો આ બ્લોક્સમાંથી આવે છે. તેમજ પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાની જૂની માંગને પણ ફરીથી દોહરાવવામાં આવી છે. જો પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે, તો ઉદ્યોગોને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ નરમ હોવાથી સામાન્ય જનતા પણ બજેટમાં રાહતની આશા રાખી રહી છે.

પેટ્રોલિયમ મંત્રાલયની મુખ્ય દરખાસ્તો

– ટેક્સમાં ઘટાડો: અસરકારક ટેક્સ રેટ 35%થી 40% કરવાની ભલામણ.

– સમાન ટેક્સ નીતિ: જૂના તેલ બ્લોક્સ(Pre-NELP) પર ટેક્સ નિયમો હળવા કરવા.

– GSTની માંગ: પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ.

– સ્થિરતા: લાંબા ગાળાના રોકાણ માટે સ્થિર ટેક્સ નીતિની જરૂરિયાત પર ભાર.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here