વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ફોર વ્હીલર કારના કાચ તોડી કિંમતી ઘરેણાં અને રોકડની સફાચટ કરતી ગેંગના મુખ્ય સૂત્રધારો પૈકીના એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી આરોપીને દબોચી લીધો છે.

ડુંગરા પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલો ૪૪ વર્ષીય વિનોદ અશોક પવાર (રહે. ડોમ્બીવલી/કલ્યાણ, મહારાષ્ટ્ર) આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. આ આરોપી કારના કાચ તોડી ગણતરીની મિનિટોમાં સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ ચોરી કરવામાં માહિર હોવાનું મનાય છે. વલસાડ એલ.સી.બી.ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા આરોપીનું લોકેશન ટ્રેસ કરી તેને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ધરપકડથી આંતરરાજ્ય ચોર ગેંગના અન્ય સાગરીતો અને અગાઉ થયેલી અનેક ચોરીઓના ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

