કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ ઓથોરિટી (સીસીપીએ)એ મેટા, અમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ સામે વોકીટોકીના ગેરકાયદે વેચાણ મુદ્દે આકરી કાર્યવાહી કરી છે. સીસીપીએએ ચાર અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મને રૂ. ૧૦-૧૦ લાખનો દંડ કર્યો છે. આ સિવાય ચિમિયા, જિયોમાર્ટ, ટોક પ્રો અને માસ્કમેન ટોય્ઝને રૂ. ૧-૧ લાખનો દંડ ફટકાર્યો છે. સીસીપીએએ આઠ કંપનીઓને કુલ રૂ.૪૪ લાખનો દંડ કર્યો છે. આ કંપનીઓએ ગ્રાહક સંરક્ષણ કાયદા, ૨૦૧૯ની સાથે ટેલિકોમ કાયદાનો પણ ભંગ કર્યો છે.

ઈ-કોમર્સ પ્લેટફોર્મ કંપનીઓએ ગ્રાહક સંરક્ષણ કાયદા, ૨૦૧૯ અને ટેલિકોમ કાયદાનો ભંગ કરતા વોકીટોકી ગેરકાયદે લિસ્ટ કરતા અને વેચતા હોવાનું ધ્યાનમાં આવતા સીસીપીએએ આ બાબત વિરુદ્ધ સ્વત: નોંધ લઈને કાર્યવાહી શરૂ કરી હતી. વધુમાં સીસીપીએએ અગાઉ પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મને તેમના મંચ પરથી આ પ્રકારે વોકી-ટોકીનું લિસ્ટિંગ દૂર કરવા અને પર્યાપ્ત નિવારક સુરક્ષા પગલાં વિના વોકી-ટોકીના વેચાણ સામે ચેતવણી આપી હતી. પરંતુ ઈ-કોમર્સ કંપનીઓએ આ પ્રકારની નોટિસોની અવગણના કરી હતી.
સીસીપીએને અલગ અલગ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ૧૬,૯૭૦થી વધુ નોન-કોમ્પ્લાયન્સવાળા ઉત્પાદનોને લિસ્ટ કરાયા હોવાનું જણાયું હતું, જેથી ઓથોરિટીએ ૧૩ ઈ-કોમર્સ કંપનીઓ ચિમિયા, જિયોમાર્ટ, ટોક પ્રો, મીશો, માસ્કમેન ટોય્સ, ટ્રેડઈન્ડિયા, અંતરિક્ષ ટેક્નોલોજીસ, વરદાનમાર્ટ, ઈન્ડિયામાર્ટ, મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક. (ફેસબૂક માર્કેટપ્લેસ), ફ્લિપકાર્ટ, ક્રિષ્ના માર્ટ અને અમેઝોનને નોટિસ ફટકારી હતી.
સીસીપીએએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને દંડ ફટકારવાની સાથે ચેતવણી આપી હતી કે મંજૂરી વિના વોકી-ટોકિ પોલીસ, ઈમર્જન્સી મેનેજમેન્ટ, ડિઝાસ્ટર સેવાઓની સંચાર વ્યવસ્થામાં અવરોધ નાંખી શકે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે.
સીસીપીએને જણાયું કે અનેક ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ એવી વોકી-ટોકી (પર્સનલ મોબાઈલ રેડિયો -પીએમઆર) વેચી રહ્યા હતા, જે નિશ્ચિત ફ્રિક્વન્સી બેન્ડથી બહાર કામ કરે છે, જેમની પાસે જરૂરી ઈક્વિપમેન્ટ ટાઈપ અપ્રૂવલ સર્ટિફિકેટ નહોતું અને જેમાં લાઈસન્સની માહિતી પણ અપાઈ નહોતી. કાયદા મુજબ માત્ર ૪૪૬.૦-૪૪૬.૨ મેગાહર્ટ્ઝ ફ્રિક્વન્સી વાળી વોકી-ટોકી જ લાઈસન્સ વિના વેચી શકાય છે.
જાણિતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ૬૫,૯૩૧ વોકી-ટોકી વેચાઈ જેની ફ્રિક્વન્સીની માહિતી ખોટી હતી અથવા જાહેર કરાઈ નહોતી. જાહેર કરાયેલી સાચી ફ્રિકવન્સીના અન્ય ૪૨,૨૭૫ યુનિટ્સ વેચાયા હતા. અમેઝોન પર પણ જાન્યુઆરી ૨૦૨૩થી મે ૨૦૨૫ વચ્ચે આવા ૨,૬૦૨ યુનિટ્સ વેચાયા હતા, જેમાં ૪૬૭ ઉત્પાદનોમાં યોગ્ય ફ્રિક્વન્સી અથવા સર્ટિફિકેશન વિગતોનો અભાવ હતો.
મેશોમાં એક જ વિક્રેતાએ ૨,૨૦૯ યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જેમાં અનેક લિસ્ટિંગ્સે ઈટીએ સર્ટિફિકેશન અથવા ફ્રિક્વન્સી સ્પેસિફિકેશન્સની વિગતો જણાવાઈ નહોતી. ફેસબૂક માર્કેટપ્લેસના કિસ્સામાં સીસીપીએને જણાયું હતું કે લાઈસન્સિંગની જરૂરિયાત, ફ્રિક્વન્સીની વિગતો અથવા ઈટીએ-ડબલ્યુપીસી સ્પેસિફિકેશન વિના વોકી-ટોકી વેચાઈ હતી.

