સુરેન્દ્રનગર ટ્રાફિક મહિલા પીએસઆઈ અને ટીમ દ્વારા થાન શહેરના મુખ્ય માર્ગો તથા વાહનોની અવર જવર વધુ રહેતી હોય તેવા વિસ્તારોમાં વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિકના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ ૦૭ વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સીટ બેલ્ટ, જરૂરી દસ્તાવેજોની અછત, નંબર પ્લેટ વગર વાહન ચલાવવું તેમજ ટ્રાફિક ઉલ્લંઘન જેવી વિવિધ બાબતોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ રૂ.૧૪,૩૦૦નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. આ તકે ટ્રાફિક મહિલા પી.એસ.આઇ.એ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તથા લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે આવી ડ્રાઈવ નિયમિત રીતે ચલાવવામાં આવશે. તેમજ તમામ વાહન ચાલકોને સીટ બેલ્ટ ફરજિયાત પહેરવા, જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તેમજ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા પણ અપીલ કરી હતી. સ્થાનિક લોકો દ્વારા પણ ટ્રાફિક પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.

