BUSINESS : સેન્સેક્સનો 752 પોઈન્ટનો ઉછાળો અંતે 188 પોઈન્ટ નીવડી 83570

0
26
meetarticle

મહારાષ્ટ્રમાં વિવિધ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિને બહુમત મળ્યાના પોઝિટીવ પરિબળે અને કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આઈટી કંપનીઓના પરિણામો ટીસીએસના એકંદર નબળા આવ્યા સામે ઈન્ફોસીસના અપેક્ષાથી સારા અને ગાઈડન્સ સુધારીને રજૂ કરાતાં તેમ જ વૈશ્વિક મોરચે ટ્રમ્પની આકરી નીતિ ઢીલી પડવાના સંકેતે આજે ફંડોએ ભારતીય શેર બજારોમાં આઈટી શેરોની આગેવાનીમાં ટ્રેડિંગની શરૂઆત તોફાની તેજીએ કરી હતી. આ સાથે ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાના અહેવાલ વહેતાં થતાં અને ભારત અને યુરોપીય યુનિયન વચ્ચે ટ્રેડ ડિલ ૨૭, જાન્યુઆરી સુધીમાં થવાના નિવેદનની બજારમાં પોઝિટીવ અસર જોવાઈ હતી. લોકલ ફંડોની શેરોમાં મોટી ખરીદી સામે ઉછાળે ફોરેન ફંડોનું હેમરિંગ વધતું જોવાયું હતું.

સેન્સેક્સ આરંભમાં ૮૪૫૭૦ સુધી ઉછળી પાછો ફર્યો : નિફટી ૨૫૬૬૨ની ઊંચાઈએ પહોંચી પાછો ફર્યો

આઈટી શેરો સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો લેવાલ બનતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ સાંજે જાહેર થતાં પૂર્વે બજારની ચાલ મજબૂત રહી હતી. સેન્સેક્સ આરંભમાં ૭૫૨.૨૬ પોઈન્ટની છલાંગે ઉપરમાં ૮૪૧૩૪.૯૭ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, ઓટો શેરોમાં ઓફલોડિંગ થતાં ઉછાળો ધોવાતો જઈ સેન્સેક્સ નીચામાં ૮૩૪૫૬.૫૦ સુધી આવી અંતે ૧૮૭.૬૪ પોઈન્ટ વધીને ૮૪૫૭૦.૩૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં ૨૫૮૭૩.૫૦ સુધી ઉછળીને પાછો ફરી નીચામાં ૨૫૬૬૨.૪૦ સુધી આવી અંતે ૨૮.૭૫ પોઈન્ટ વધીને ૨૫૬૯૪.૩૫ બંધ રહ્યો હતો. અલબત સ્મોલ કેપ શેરોમાં સતત કડાકો બોલાતો રહ્યો હતો.

કંપની પરિણામોએ આઈટી શેરોમાં ઓરેકલ રૂ.૪૨૮, ઈન્ફોસીસ રૂ.૯૦, ટેક મહિન્દ્રા રૂ.૮૨ ઉછળ્યા

ઈન્ફોસીસના ત્રિમાસિક પરિણામ અપેક્ષાથી સારા આવ્યા સાથે કંપનીએ પૂર્ણ વર્ષ ૨૦૨૬ માટે આવક વૃદ્વિનો અંદાજ વધારીને મૂકતાં ફંડોએ આજે આઈટી શેરોમાં તોફાની તેજી કરી હતી. ઈન્ફોસીસ રૂ.૯૦.૩૫ ઉછળીને રૂ.૧૬૮૯.૪૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૪૨૮.૬૦ ઉછળીને રૂ.૭૯૬૧.૪૦, ટેક મહિન્દ્રાના ત્રિમાસિક પરિણામમાં ચોખ્ખો નફો ૧૪ ટકા વધીને રૂ.૧૧૨૨ કરોડ થતાં શેર રૂ.૮૨.૦૫ વધીને રૂ.૧૬૭૦.૫૫, નેટવેબ રૂ.૧૬૨.૧૫ વધીને રૂ.૩૩૫૧.૦૫, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૨૭૭.૯૦ વધીને કરૂ.૬૩૦૭.૭૫, હેક્ઝાવેર રૂ.૨૫.૪૦ વધીને રૂ.૭૩૮, કોફોર્જ રૂ.૫૦.૫૦ વધીને રૂ.૧૭૩૨.૨૦, એમ્ફેસીસ રૂ.૯૫.૮૦ વધીને રૂ.૨૮૮૬.૮૦, બિરલા સોફ્ટ રૂ.૧૪.૩૦ વધીને રૂ.૪૩૩.૧૦, વિપ્રોના અપેક્ષાથી સારા પરિણામે શેર રૂ.૭.૧૦ વધીને રૂ.૨૬૭.૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૦.૩૦ વધીને રૂ.૧૬૯૮.૯૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૩૨.૬૦ વધીને રૂ.૬૪૦૩.૧૦, ટાટા એલેક્સી રૂ.૧૧૦.૫૦ વધીને રૂ.૫૬૧૨.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૨૪૦.૧૦ પોઈન્ટ ઉછળીને ૩૭૭૭૪.૦૩ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૭૮૧ પોઈન્ટ ઉછળ્યો : ફેડરલ બેંક પરિણામે રૂ.૨૩ ઉછળી રૂ.૨૭૦ : એયુ સ્મોલ ફાઈ. બેંક વધ્યો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ બેંકોના અપેક્ષાથી સારા પરિણામ અને એનપીએમાં ઘટાડાના આકર્ષણે ફરી તેજી કરી હતી. ફેડરલ બેંકના ત્રિમાસિક પરિણામ પાછળ શેર રૂ.૨૩.૪૫ ઉછળીને રૂ.૨૭૦.૩૫ રહ્યો હતો. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૪૮.૮૦ વધીને રૂ.૧૦૨૫.૧૫, પીએનબી રૂ.૩.૬૫ વધીને રૂ.૧૩૨.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪ વધીને રૂ.૧૦૪૨.૩૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૮૦.૬૦ પોઈન્ટ ઉછળીને ૬૭૯૬૪.૪૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૯૪ પોઈન્ટ તૂટયો : જીઈ વર્નોવા રૂ.૧૭૫, પાવર ઈન્ડિયા રૂ.૭૩૨ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે મોટું ઓફલોડિંગ કર્યું હતું. જીવી વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૧૭૫.૪૦ તૂટીને રૂ.૨૬૨૧.૨૫, પાવર ઈન્ડિયા રૂ.૭૩૨.૨૦ તૂટીને રૂ.૧૬,૨૨૫.૩૫, સીજી પાવર રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૫૬૧.૮૫, પોલીકેબ રૂ.૧૯૦.૨૦ તૂટીને રૂ.૭૧૩૦.૯૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૮.૯૦ ઘટીને રૂ.૪૩૦.૫૫, સિમેન્સ રૂ.૫૧.૮૫ ઘટીને રૂ.૨૯૨૦.૮૫, ટીમકેન રૂ.૫૩.૦૫ ઘટીને રૂ.૨૯૯૭.૮૫, એબીબી ઈન્ડિયા રૂ.૬૫.૪૦ ઘટીને રૂ.૪૮૬૭.૧૫, મઝગાંવ રૂ.૨૪.૨૫ ઘટીને રૂ.૨૪૪૬.૮૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૯૩.૯૧ પોઈન્ટ તૂટીને ૬૩૯૫૨.૪૫ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફરી મોટું ધોવાણ : ડિક્સન રૂ.૩૬૮, એશીયન પેઈન્ટ રૂ.૫૮ તૂટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે ફરી મોટું ધોવાણ થયું હતું. ડિક્સન ટેકનોલોજી રૂ.૩૬૮.૨૦ તૂટીને રૂ.૧૦,૭૩૨.૬૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૩.૧૫ ઘટીને રૂ.૪૬૭.૫૦, એશીયન પેઈન્ટ રૂ.૫૮.૪૫ તૂટીને રૂ.૨૭૫૬.૯૦, વોલ્ટાસ રૂ.૨૮.૬૦ ઘટીને રૂ.૧૪૧૦.૯૫, ક્રોમ્પ્ટન રૂ.૩.૫૫ ઘટીને રૂ.૨૫૧.૧૦, ટાઈટન રૂ.૨૪.૧૦ ઘટીને રૂ.૪૧૯૬.૯૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૩૨.૦૬ પોઈન્ટ તૂટીને ૬૦૦૨૨.૧૩ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની તેજી : એચપીસીએલ રૂ.૧૮ વધી રૂ.૪૫૮ : બીપીસીએલ, આઈઓસી વધ્યા

ઓઈલ-ગેસ શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ જાહેર થતાં પૂર્વે અને વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલનો પુરવઠો સુનિશ્ચિત કરવા ઓપેક દેશો ઉત્પાદન વધારે એવી શકયતાએ ભાવો વધ્યામથાળેથી ઘટી આવતાં શેરોમાં સિલેક્ટિવ મજબૂતી રહી હતી. એચપીસીએલ રૂ.૧૭.૮૫ વધીને રૂ.૪૫૭.૮૦, બીપીસીએલ રૂ.૬.૧૦ વધીને રૂ.૩૬૩.૧૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૨.૨૫ વધીને રૂ.૧૬૧.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૧૯.૮૩ પોઈન્ટ વધીને ૨૭૭૫૧.૮૨ બંધ રહ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here