પાટડી -માંડલ તાલુકાના રખિયાણા ગામના ૨૨ વર્ષીય જતીન રસીકભાઈ ઠાકોરના લગ્ન એક વર્ષ પૂર્વે દસાડાના હરીપુરા ગામે કોમલબેન સાથે થયા હતા. ઉતરાયણ પર્વની ઉજવણી માટે આ દંપતી પોતાના સાસરિયામાં આવ્યું હતું. ત્યાંથી બાઈક પર સવાર થઈ તેઓ સચાણા ગામે પોતાના સાઢુભાઈના ઘેર જવા નીકળ્યા હતા.

દરમિયાન પાટડી-ફૂલકી રોડ પર ઘાસપુર પાસે પુરપાટ ઝડપે આવતા એક છકડો રિક્ષાના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં જતીન ઠાકોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેની પત્ની કોમલબેનને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ વિરમગામ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ પાટડી પોલીસ અને રખિયાણાના સરપંચ સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રોડ પર છકડો રિક્ષા પર પ્રતિબંધ હોવા છતાં અનેક વાહનો બેફામ દોડી રહ્યા છે. આ અકસ્માત પાછળનું કારણ છકડાના એન્જિન પર સેફ્ટીગાર્ડનો અભાવ હોવાનું સામે આવ્યું છે. એન્જિનના ચક્રમાં ચાલકની ચાદર ફસાઈ જતાં છકડો એકાએક એક તરફ ખેંચાયો હતો અને બાઈક સાથે અથડાયો હતો. અકસ્માત સર્જી ચાલક વાહન મૂકી નાસી છૂટયો હતો. દંપતીની પાછળ તેમના સગા પણ આવી રહ્યા હતા, જેમની નજર સામે જ આ કરુણતા સર્જાતા અને તહેવાર પૂર્વે જ યુવાન પુત્રનું મોત થતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે.

