એમ.એસ.યુનિવર્સિટી ડેરીડેન સર્કલ પાસે સાંજ ે સિટિ બસના ચાલકને અચાનક ચક્કર આવતા તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ધડાકાભેર રોડની સાઇડમાં ઝાડ સાથે અથડાઇ હતી. ફસાઇ ગયેલા ડ્રાઇવરને ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર જઇ બહાર કાઢ્યો હતો. ડ્રાઇવર તેમજ બસમાં મુસાફરી કરતી એક યુવતીને ઇજા થઇ હોઇ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

શનિવારે સાંજે એક સિટિ બસ એમ.એસ.યુનિવર્સિટી રોડ પરથી જતી હતી. તે દરમિયાન છ વાગ્યે ડેરીડેન સર્કલ પાસે બસના ડ્રાઇવરને ચક્કર આવતા તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બસ રોડની સાઇડ પર ધસી જઇ ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી.સાંજનો સમય હોઇ ટ્રાફિકની અવરજવર વધુ હોઇ ટ્રાફિક જામ થયો હતો.લોકો બસ નજીક દોડી ગયા હતા. બસના ડ્રાઇવરનો પગ બ્રેક અને ક્લચ પેડલની વચ્ચે ફસાઇ ગયો હતો. તેને બહાર કાઢવાની કોશિશ સફળ નહીં થતા છેવટે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે સ્થળ પર જઇ કટર વડે પેડલ કાપી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતના પગલે સયાજીગંજ પોલીસ દોડી આવી હતી. પોલીસે રોડ પરનો ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો. ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જીલુભાઇ ઝાલા ( ઉં.વ.૬૦) તથા બસમાં મુસાફરી કરતી યુવતી જાગૃતિબેનને ડાબા પગે ઇજા થતા બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસના કંડક્ટરની ફરિયાદના આધારે પોલીસે ડ્રાઇવર સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બસના ડ્રાઇવરને ખરેખર ખેંચ આવી હતી કે પછી અન્ય કોઇ કારણસર તેનાથી અકસ્માત થયો હતો, તે અંગે પોલીસ દ્વારા ડોક્ટરના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

