WORLD : ભારત પીળી દાળ પરથી 30 ટકા ટેક્સ હટાવે : સેનેટરોનો ટ્રમ્પને પત્ર

0
21
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર દુનિયામાં સૌથી વધુ ૫૦ ટકા ટેરિફ નાંખેલો છે અને વધુ ૫૦૦ ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી છે. આવા સમયમાં ભારતે કોઈ હોહા વિના ગયા વર્ષે ચૂપચાપ અમેરિકાથી આયાત થતી પીળી દાળ (વટાણાની દાળ) પર ૩૦ ટકા ટેરિફ નાંખીને ટ્રમ્પને તેમની આકરી ટેરિફ નીતિનો તેમની જ ભાષામાં ‘શાંત’ જવાબ આપ્યો હતો. જોકે, હવે ભારત-અમેરિકા વચ્ચે ફરી એક વખત વેપાર વાટાઘાટો શરૂ થઈ છે ત્યારે પીળી દાળ પરનો આ ટેરિફ ભારત અમેરિકાની વેપાર વાટાઘાટો માટે અવરોધનું નવું પરિબળ બની શકે છે. અમેરિકન સેનેટરોએ પ્રમુખ ટ્રમ્પે ભારત પર પીળી દાળ પરનો ૩૦ ટકા ટેરિફ હટાવવા દબાણ કરવા માટે પત્ર લખ્યો છે.નવી દિલ્હીમાં થોડા દિવસ પહેલાં જ કામકાજ સંભાળનારા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે લાંબા સમયથી અટકેલી ભારત અને અમેરિકાની વેપાર વાટાઘાટો ફરી શરૂ થશે તેવો દાવો કર્યો હતો. આ સંદર્ભમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની પહેલા તબક્કાની વાતચીત લગભગ પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરાય તેવી શક્યતા છે.

જોકે, ભારત અને અમેરિકા વચ્ચેની આ વેપાર વાટાઘાટોમાં નવો અવરોધ ઊભો થયો હોવાની નિષ્ણાતો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. બંને દેશોની વેપાર વાટાઘાટો વચ્ચે નોર્થ ડેકોટના રિપબ્લિકન સેનેટર કેવિન ક્રેમર અને મોન્ટાનાના સેનેટર સ્ટીવ ડેનીસે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારતે અમેરિકાની પીળી દાળ (વટાણાની દાળ) પર નાંખેલો ૩૦ ટકા ટેરિફ હટાવવાની માગ કરી છે. તેમણે આ ટેરિફને ‘અયોગ્ય’ ગણાવ્યો છે. રસપ્રદ બાબત એ છે કે ટ્રમ્પ ભારત પર ટેરિફ નાંખવાની અનેક દિવસો પહેલાં જાહેરાત કરીને ભારત સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરતા રહે છે ત્યારે ભારતે ગયા વર્ષે ઑક્ટોબરના અંતમાં આ ટેરિફની જાહેરાત કરી હતી અને ૧ નવેમ્બર ૨૦૨૫થી તેનો અમલ થઈ ગયો હતો છતાં સરકારનું આ પગલું પ્રચાર-પ્રસારથી દૂર રહ્યું, જેને ટ્રમ્પ દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના દંડ સ્વરૂપે ૨૫ ટકા ટેરિફ સહિત કુલ ૫૦ ટકા ટેરિફનો જવાબ તરીકે જોવામાં આવે છે.અમેરિકન સેનેટરોએ પત્રમાં લખ્યું છે કે ભારત અને અમેરિકા વેપાર કરારમાં કઠોળના પાક માટે અનુકૂળ જોગવાઈ કરવામાં આવે. પ્રમુખ ટ્રમ્પ અમેરિકાના મસૂર સહિતના કઠોળ અને પીળી દાળની આયાત પર ભારત ૩૦ ટકા ટેક્સ હટાવે અને અમેરિકન ખેડૂતો વધુ સારા બજાર સુધી પહોંચી શકે તે નિશ્ચિત કરે. ભારતના આ ‘અયોગ્ય’ ટેરિફના કારણે અમેરિકન કઠોળ ઉત્પાદકોને તેમનો ગુણવત્તાવાળો પાક ભારતમાં નિકાસ કરતા ભારે નુકસાન ઉઠાવવું પડે છે.

ભારત કઠોળનું સૌથી મોટું ગ્રાહક છે ત્યારે અમેરિકાના નોર્થ ડકોટા અને મોન્ટાના વટાણા સહિતના કઠોળના પાકના ટોચના ઉત્પાદક છે. દુનિયામાં કઠોળના કુલ વપરાશમાં લગભગ ૨૭ ટકા હિસ્સો ભારતનો છે. ભારતમાં મસૂર, ચણા, વટાળા, સૂકા કઠોળનો વપરાશ ખૂબ થાય છે, છતાં તેમણે અમેરિકન પાક પર જંગી ટેરિફ નાંખ્યો છે. સેનેટરોએ ટ્રમ્પને કહ્યું કે, તમારા પહેલા કાર્યકાળમાં પણ અમે તમને આ મુદ્દે પત્ર લખ્યો હતો. તમે ૨૦૨૦માં ભારતનો પ્રવાસ કર્યો હતો અને અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે સમયે વેપાર વાટાઘાટોમાં તમે પોતે જ પીએમ મોદીને આ પત્ર આપ્યો હતો, જેનાથી અમારા ઉત્પાદકોને વાતચીતના ટેબલ પર લાવવામાં મદદ મળી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here