સખત નિયંત્રણ સાથેની ઓથોરાઈઝેશન યંત્રણા હેઠળ કેન્દ્રએ ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની મર્યાદિત નિકાસને મંજુરી આપી છે. જો કે આ ચીજવસ્તુઓ પરનો વિસ્તૃત નિકાસ પ્રતિબંધ ચાલુ રખાયો છે.

ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા જારી કરાયેલા એકસપોર્ટ ઓથોરાઈઝેશન હેઠળ આટા, મેંદા, રવા, હોલમિલ આટા તથા ઘઉંના લોટની એકંદરે પાંચ લાખ ટન સુધીની નિકાસને મંજુરી અપાશે. જો કે આ નિકાસ જારી કરાનારી ચોક્કસ શરતોને આધીન કરી શકાશે.
ડીજીએફટીના ઓર્ડર પ્રમાણે, નિકાસ ઓથોરાઈઝેશન માટેની અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારાશે. આ માટેનો પ્રથમ તબક્કો ૨૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ખુલ્લો રહેશે.
ત્યાર બાદ દર મહિનાના છેલ્લા દસ દિવસ દરમિયાન અરજીઓ મંગાવાતી રહેશે. પાંચ લાખ ટનની નિયત મર્યાદા વપરાય ન જાય ત્યાંસુધી અરજીઓ મંગાવાતી રહેશે. પ્રતિ નિકાસકાર ૨૫૦૦ ટનથી ઓછી કવોન્ટીટી સાથેની અરજીને ધ્યાનમાં લેવામાં નહીં આવે તેવી પણ ડીજીએફટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જો કે આ મર્યાદા ઘટાડી પ૦૦ ટન રાખવા ટ્રેડરો તરફથી માગણી ઉઠી છે.
ઓછામાં ઓછી ૨૫૦૦ ટન કવોન્ટિટીના કિસ્સામાં નાના ટ્રેડરો નિકાસ પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે ધ ગ્રેન એન્ડ રાઈસ એન્ડ ઓઈલસીડસ મરચંટસ એસોસિએશન (ગ્રોમા) દ્વારા દલીલ કરવામાં આવી રહી છે.
ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થતાં સરકારે ૨૦૨૨માં મેંદા, હોલમિલ આટા તથા રવાની નિકાસ પર પ્રતિબંધ મૂકયો હતો. જ્યાં ભારતના નાગરિકો વધુ વસે છે તેવા દેશો જેમ કે અમેરિકા, યુકે, અખાતી દેશોમાં આ પ્રોડકટસની ઊંચી માગ રહે છે.

