અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના વ્યસ્ત એવા એસજી હાઇવે પર આજે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવી રહેલી કાર એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય એક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાઇવે પર લાંબો ટ્રાફિકજામ
મળતી માહિતી અનુસાર, અમદાવાદથી ગાંધીનગર તરફ જતી કાર ડિવાઈડર કૂદીને ગાંધીનગરથી અમદાવાદ તરફ આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે હાઇવે પર રોડની બંને સાઇડ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી તેને રસ્તા પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ક્રેન મારફતે ગાડીને ટો કરીને ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

