મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈરાનને ઘેરી લેતી વૈશ્વિક ઉથલપાથલ હવે ભારતમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. દેશમાંથી નોંધપાત્ર પ્રમાણમાં કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોની નિકાસ કરતા રાજ્ય ઉત્તર પ્રદેશને સવિશેષ અસર થવાની સંભાવના વર્તાઈ રહી છે. વર્તમાન પરિસ્થિતિને કારણે ઉત્તર પ્રદેશનો ઈરાનમાં અંદાજે રૂ. ૧૫૦૦ કરોડનો એક્સપોર્ટ બિઝનેસ જોખમમાં છે. ઈરાન જોખમ ભારતના ખેડૂતોની સાથે વેપારીઓ અને નિકાસકારો તમામને ચિંતામાં મૂકે છે.

ઈરાન કટોકટીએ ફરી એકવાર દર્શાવ્યું છે કે વૈશ્વિક તણાવની એક ચિનગારી પણ સ્થાનિક અર્થતંત્ર પર નોંધપાત્ર અસર કરી શકે છે. ઉત્તર પ્રદેશ લાંબા સમયથી બાસમતી અને બિન-બાસમતી ચોખા, ફળો અને શાકભાજી, દવાઓ, કપડાં, પશુ આહાર અને એન્જિનિયરિંગ ઉત્પાદનોની ઈરાનમાં નિકાસ કરે છે, પરંતુ વર્તમાન કટોકટીમાં ચોખાના વેપારને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું હોય તેવું લાગે છે.નિકાસકારોના મતે, ઘણા કન્સાઈનમેન્ટ અન્ય દેશોના બંદરો પર માર્ગમાં જ રોકી દેવામાં આવ્યા છે અથવા ગુજરાતના કંડલા બંદર પર અટવાઈ ગયા છે. પેમેન્ટ અને ડિલિવરી અંગે વધતી અનિશ્ચિતતાને કારણે, અત્યાર સુધીમાં ૧ અબજથી વધુના ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.
મેરઠ સ્થિત બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશને ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં ઈરાનને આશરે ૬૪૦૦ કરોડના બાસમતી ચોખાની નિકાસ કરી હતી. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે વેપાર પહેલાથી જ દબાણ હેઠળ હતો, પરંતુ હાલના તણાવને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. નિકાસકારોને ડર છે કે જો ઈરાન પર નવા પ્રતિબંધો લાદવામાં આવે તો આ વેપાર સંપૂર્ણપણે બંધ થઈ શકે છે.ભારતીય નિકાસ પરિષદ, કાનપુરના મતે ઈરાન પર સંભવિત નવા પ્રતિબંધોના ભયથી જોખમ અનેકગણું વધી ગયું છે.

