કચ્છમાં ઐતહાસિક ધોળાવીરા અને આસપાસનો વિસ્તાર ભૂકંપો માટે પહેલેથી જ સંવેદનશીલ રહ્યો છે ત્યારે આજે ખાવડાથી 55 કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાએ ભારત-પાકિસ્તાન સરહદ પાસે લ્યારી પાસે જમીનથી 11.6 કિ.મી. ઉંડાઈએ 4.1ના તીવ્ર ભૂકંપથી ધરતી ધણધણી ઉઠી હતી. ગુજરાતમાં ઈ.2026ના આરંભમાં જાન્યુઆરીના 17 દિવસમાં ઉપલેટા,જેતપુર પંથકમાં ઉપરાઉપરી 13 અને અન્યત્ર 8 ભૂકંપો સહિત 21 ધરતીકંપો કે જેની તીવ્રતા 2.5 મેગ્નિટયુડથી વધુ છે તે નોંધાયા છે.આ પહેલા કચ્છમાં આના કરતા પણ વધુ તીવ્રતાનો ભૂકંપ ગત તા. 26-12-2025 ના રાપર વિસ્તારમાં 4.6નો નોંધાયેલ છે જ્યારે રાપર પંથકમાં છ માસ પહેલા 4.0નો ભૂકંપ આવ્યો હતો.

ગઈકાલે તા. 16ના રાપર અને ભચાઉ પંથકમાં 2.7 અને 2.5ના આંચકા તેમજ ગત તા. 14 જાન્યુઆરીએ અમરેલી જિલ્લામાં 2.5 અને તા. 13 જાન્યુઆરીએ પોરબંદર પાસેના દરિયામાં 2.7નો ભકંપ નોંધાયો હતો.એકંદરે ગત બે માસથી કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં ગતિવિધિ વધી છે.

