ધોરાજી પંથકમાં ભાદર -1 કેનાલના કારણે ખેડૂતોને રવી મોસમ લેવામાં સાનુુકુળતા વધી જાય છે. નવાઈની વાત એ છે કે દીવાળી પછી રવી મોસમના વાવેતર થયા પછી પાણી છોડવામાં આવે છે અને નિયમ મુજબ પાણી છોડતા પહેલા કેનાલની સાફ સફાઈ કરી લેવી પડે છે. એ કામ હડમતીયા કે મોટીમારડ વિસ્તારમાં બરાબર કરવામાં આવ્યું ન હતું. હવે આ કામ ચાલુ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાઈ ગયો છે. અધિકારીઓની મનમાનીના વિરોધમાં આ પંથકના ખેડૂૅતોએ કેનાલમાં એકત્ર થઈ રામધૂન બોલાવી તંત્રને જગાડવા પ્રયાસ કર્યો છે.મોટી મારડ અને અન્ય બ્રાન્ચ કેનાલોમાં મોટા પ્રમાણમા બાવળીયા ઉગી ગયા છે. કેનાલમાં ઝાડી ઝાંખરાના કારણે જળ વહનમાં સમસ્યા ઉદભવે એ સ્વાભાવિક હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે ઉનાળાના સમયમાં કેનાલની સાફ સફાઈ કરાવી લેવી જોઈએ. પણ આ કામ રવી પાક મોસમ પહેલા યોગ્ય રીતે કરાવાતું નથી. વાસ્તવિક રીતે જળ વહન માટે અવરોધો દૂર કરીને કેનાલને ઓકટોબર માસમાં કલીયર કરાવી દેવી જોઈએ. આ માટે જાણે કે કુલડીમાં ગોળ ભાંગી લેવાતો હોય એમ કેનાલના કામો બતાવી દેવામાં આવે છે એવુ ખેડૂતોને લાગી રહ્યું છે.

કેનાલ સંપૂર્ણ ક્લિયર કરાવ્યા વગર મોટી મારડ વિસ્તારને પાણી છોડી દેવામાં આવ્યું છે. જેમાં અનેક વાર કેનાલ અવરોધના કારણે છલકાઈને જળ વેફડાટ થયો છે. જયારે હડમતીયા વિસ્તારમાં ખેડૂતો સિંચાઈ જળથી સાવ વંચિત છે. એ ખેડૂતો બોરમાંથી કે કૂવામાંથી પાણી લઈને પાકને બચાવે છે. અહી કેનાલ સાફ સફાઈના બહાને કેનાલ બંધ રાખવામાં આવી છે. આ બાબતે ખેડૂતોએ વિરોધ વ્યકત કરી કેનાલમાં બેસીને રામધૂન બોલાવી અધિકારીઓના રવૈયાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત કેનાલ સફાઈના નામે થતા ભ્રષ્ટાચારની તપાસની માગણી કરી છે.

