અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણના પગલે ઘણી ટ્રેન વટવા, મણિનગર, સાબરમતી સ્ટેશને ડાઈવર્ટ કરાઈ છે. કેટલીક ટ્રેનના રૂટ રાતોરાત બદલી દેવાતા હોવાથી મુસાફરોને છેલ્લી ઘડીએ સામાન અને પરિવાર સાથે દોડા-દોડી કરવી પડે છે. ત્યારે કાલુપુર સ્ટેશન પર બ્રિજના સ્પાનની કામગીરીના પગલે આજે 18મી જાન્યુઆરીના રોજ કાલુપુર સુધી આવતી બે ટ્રેન માત્ર વટવા સુધી જ દોડાવવામાં આવશે. જ્યારે માત્ર વટવા સ્ટેશન સુધી આવતી પાંચ ટ્રેન ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
કાલુપુર રેલવે સ્ટેશનના પુન:નિર્માણની કામગીરી દરમિયાન પ્લેટફોર્મ નંબ 206થી 1052ના ફૂટઓવર બ્રિજમાં સ્પાનમાં કમ્પોઝિટ સ્ટીલ ગર્ડર લગાવવાનું કામ હાથ ધરાયું છે. જેના પગલે વટવા સુધીઆવતી પાંચ ટ્રેન પણ રદ કરાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કાલુપુર સુધી આવતી વલસાડ- અમદાવાદ 19033 ગુજરાત ક્વીન એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ 22953 ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ માત્ર વટવા સુધી જ આવશે. જ્યારે પાંચ ટ્રેન 20959/20960 વલસાડ-વડનગર- વલસાડ ઈન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ, 19036/19035 મણિનગર-વડોદરા-વટવા ઈન્ટરસિટી એક્સપ્રેસ, 69101/69102 વડોદરા-વટવા-વડોદરા મેમૂ, 69115/69130 વડોદરા- વટવા-આણંદ મેમૂ અને 59549/59550 વડોદરા- વટવા- વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન 18મી જાન્યુઆરીના રોજ એક દિવસ માટે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જોકે, આ પાંચ ટ્રેન વટવા સુધી જ આવતી હોવાછતાં ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે.
