મુંબઈ-સુરત નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરી કરતા બુટલેગરોના મનસૂબા પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પાણી ફેરવી દીધું છે. નવસારીના ઉના ગામના બ્રિજ પાસે, સંગમ સોલર પ્લાન્ટ નજીક SMC ના પી.આઈ. એમ.એસ. ત્રિવેદી અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને વિદેશી દારૂની કુલ 14,016 બોટલો ભરેલો તોતિંગ ટ્રક ઝડપી પાડ્યો છે.

આ દરોડામાં પોલીસે ₹37.62 લાખની કિંમતનો દારૂ અને ₹25 લાખનો ટ્રક મળી કુલ ₹62,69,480 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે બુટલેગરોએ પોલીસને છેતરવા માટે નકલી બિલ અને ખોટા ઈ-બિલ પેપરનો સહારો લીધો હતો. આ મામલે પોલીસે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અખિલેશ સિંહ ઉર્ફે દીપક સિંહ રમેશ સિંહને ઘટનાસ્થળેથી દબોચી લીધો છે, જ્યારે આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર ગણાતો પલસાણાનો વિનોદ પંડિત હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. નવસારી ગ્રામ્ય પોલીસે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

