જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝગડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરોની આડમાં ચાલતા દારૂના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. મોટા વાસણા ગામની સીમમાં આવેલ એક કેળના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે થઈ રહ્યો હોવાની સચોટ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ₹48,000ની કિંમતની દારૂની બોટલો અને બિયરના ટીન ઝડપી પાડ્યા છે.

LCBની ટીમને બાતમી મળી હતી કે ઇન્દોર ગામનો રસીક નટુભાઇ ઉર્ફે નટવર પાટણવાડીયા તેના કબજા હેઠળના કેળના ખેતરમાં પાણીના પંપ અને ઇલેક્ટ્રિક ટી.સી.ની વચ્ચે દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરતા કેળના ઝાડ વચ્ચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ 216 નંગ મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી મુખ્ય સૂત્રધાર રસીક પાટણવાડીયાને વોન્ટેડ જાહેર કર્યો છે. આ મામલે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

