ભારતીય ટીમને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે સીરિઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી નિર્ણાયક મેચમાં ન્યૂઝીલેન્ડે 41 રને જીત મેળવી સીરિઝ પોતાના નામે કરી લીધી. આ હાર બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલનું દર્દ છલકાયું હતું અને તેણે ટીમના નિરાશાજનક પ્રદર્શન પર ખુલીને નારાજગી વ્યક્ત કરી હતી.

‘નિર્ણાયક મેચમાં આવું પ્રદર્શન નિરાશાજનક’
સીરિઝ 1-1થી બરાબર હતી ત્યારે નિર્ણાયક મેચમાં મળેલી હારથી કેપ્ટન શુભમન ગિલ ખૂબ જ નિરાશ દેખાયો. તેણે કહ્યું, “પહેલી મેચ પછી જ્યારે અમે અહીં 1-1ની સ્થિતિમાં આવ્યા અને જે રીતે અમે રમ્યા, તે નિરાશાજનક હતું.” ગિલે સ્પષ્ટ કહ્યું કે નિર્ણાયક મેચમાં જે પ્રકારની રમતની અપેક્ષા હતી, ટીમ તેવું પ્રદર્શન કરી શકી નહીં.
કોઈ એક ખેલાડી નહીં, પણ સમગ્ર ટીમને ગણાવી જવાબદાર
ભારતીય કપ્તાને હાર માટે કોઈ એક ખેલાડી પર દોષનો ટોપલો ઢોળ્યો ન હતો, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું કે તે ટોપ-ઓર્ડરની નિષ્ફળતા, બેટ્સમેનો દ્વારા બિનજવાબદાર શોટની પસંદગી અને ફિલ્ડિંગમાં થયેલી સતત ભૂલોથી અત્યંત નારાજ છે. તેણે સ્વીકાર્યું કે ખેલાડીઓએ ઘણા મહત્વપૂર્ણ પ્રસંગોએ ભૂલોનું પુનરાવર્તન કર્યું અને યોજનાઓનું યોગ્ય રીતે પાલન થઈ શક્યું નહીં.
હાર છતાં કોહલી અને હર્ષિતની કરી પ્રશંસા
આ હાર છતાં, શુભમન ગિલે વિરાટ કોહલી અને હર્ષિત રાણાની જોરદાર પ્રશંસા કરી. તેણે કહ્યું, “વિરાટ જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તે હંમેશા અમારા માટે એક મોટો પ્લસ પોઈન્ટ છે.” તેણે વધુમાં કહ્યું, “હર્ષિતે પણ જે રીતે આ સીરિઝમાં બેટિંગ કરી છે, ખાસ કરીને નંબર-8 પર રમવું આસાન નથી હોતું. પરંતુ તેણે જે રીતે આગળ વધીને જવાબદારી નિભાવી છે, તે પ્રશંસનીય છે.”
વર્લ્ડ કપ 2027 પર નજર, નવા ખેલાડીઓને મળશે તક
ગિલે ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતાં કહ્યું કે, “વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, અમે નીતિશ કુમાર રેડ્ડીને તક આપવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે જ્યારે તે મેદાન પર હોય, ત્યારે તેને પૂરતી ઓવર મળે, જેથી અમે જોઈ શકીએ કે અમારા માટે કયું કોમ્બિનેશન શ્રેષ્ઠ કામ કરશે.”
ન્યૂઝીલેન્ડની જીતનો હીરો રહ્યો ડેરિલ મિશેલ
ન્યૂઝીલેન્ડની આ ઐતિહાસિક સીરિઝ જીતમાં સ્ટાર બેટ્સમેન ડેરિલ મિશેલની મુખ્ય ભૂમિકા રહી. મિશેલે બે સદી અને એક અડધી સદીની મદદથી આ સીરિઝમાં 176ની એવરેજથી કુલ 352 રન બનાવ્યા હતા. તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ બંને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

