ઉત્તર પ્રદેશની કુંભ નગરી પ્રયાગરાજમાં રવિવારે મૌની અમાસના દિવસે ગંગા નદીમાં વિવિધ ઘાટ પર આસ્થાનું ઘોડાપૂર આવ્યું હોય તેમ અંદાજે પાંચ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. જોકે, જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સંગમ ઘાટ પર સ્નાન કર્યા વિના અડધે રસ્તેથી પાછા ફરતા ભારે વિવાદ સર્જાયો હતો. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ માઘ મેળામાં ‘અવ્યવસ્થા’ની ફરિયાદ કરી હતી.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ ૩ જાન્યુઆરીથી શરૂ થયેલા માઘ મેળામાં રવિવારે કરોડો શ્રદ્ધાળુઓએ ગંગા નદીના વિવિધ ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવી હતી. ગંગા નદી કિનારે ૮૫૦ હેક્ટરમાં ફેલાયેલા મેળા ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓના સ્નાન માટે યોગી સરકારે ૬૪ ઘાટ બનાવેલા હતા. જોકે, ૪૪ દિવસ લાંબા આ મેળામાં પોષ પૂનમ, મકરસંક્રાતિ અને મૌની અમાસના દિવસે કરેલા સ્નાનને મહાસ્નાન મનાય છે.એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, માઘ મેળામાં મૌની અમાસના સ્નાનને ત્રીજું અને સૌથી મહત્વનું મહાસ્નાન માનવામાં આવે છે. આ સ્નાન માટે રવિવારે વહેલી સવારે ૪.૦૦ વાગ્યાથી જ ગંગા અને સંગમ ઘાટો પર શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થઈ ગયું હતું.
પ્રયાગરાજના સંગમ કિનારે બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. જોકે, જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, તેમના શિષ્યો અને પોલીસ વચ્ચે થોડું ઘર્ષણ થયું હતું, જેના પગલે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્નાન કર્યા વિના જ પાછા જતા રહ્યા હતા, જેને પગલે ભારે વિવાદ થયો હતો. તેમણે પોલીસ પર તેમના શિષ્યોને માર મારવાનો આક્ષેપ પણ કર્યો હતો. મુખ્ય વિપક્ષ સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર મેળા ક્ષેત્રમાં ‘ભારે અવ્યવસ્થા’ની ફરિયાદ કરી હતી.
જોકે, માઘ મેળાના સુપરીન્ટેન્ડેન્ટ નીરજ પાંડેએ કહ્યું કે, મૌની અમાસના પ્રસંગને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો મુજબ સવારે પવિત્ર સ્નાન કરવા આવેલા સંતો અને શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરાઈ હતી. આ પહેલાં ઉત્તરાયણના દિવસે ૧.૦૩ કરોડ જ્યારે એકાદશીએ ૮૫ લાખ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું.

