હિંમત અને મક્કમ મનોબળ હોય તો અંતર ક્યારેય આડું આવતું નથી” તે ઉક્તિને સુરતના બે પિતરાઈ ભાઈઓએ સાર્થક કરી બતાવી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 10 વર્ષીય પાશ્વ પટેલ અને 9 વર્ષીય પંથ પટેલે પોતાના દાદા અને કોચને ગૌરવ અપાવવા સુરતથી અંબાજી સુધીની 480 કિલોમીટરની અનોખી સ્કેટિંગ યાત્રાનો પ્રારંભ કર્યો છે. છેલ્લા બે વર્ષથી સ્કેટિંગની તાલીમ લઈ રહેલા આ બાળકોનો ઉત્સાહ જોઈ પરિવારજનોએ પણ સહમતિ આપતા, આ નાનકડા સાહસિકો અંબાજી માતાજીને ધ્વજા અર્પણ કરવાના નિશ્ચય સાથે રવાના થયા છે.

આ સાહસિક યાત્રાના પ્રથમ દિવસે જ બંને ભાઈઓએ સવારના 7 વાગ્યાથી સ્કેટિંગ શરૂ કરી 75 કિલોમીટરનું અંતર કાપી ભરૂચ પહોંચી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. બાળકોની સુરક્ષા અને પ્રોત્સાહન માટે દાદા હિતેશભાઈ પટેલ સહિત પરિવારના 8 સભ્યો ત્રણ વાહનોના કાફલા સાથે સતત તેમની સાથે રહી રહ્યા છે. નાનકડી ઉંમરે અડગ શિસ્ત અને લગન સાથે 480 કિલોમીટરનો કપરો લક્ષ્યાંક પાર કરવા નીકળેલા આ બાળકોની સફર રમતગમત ક્ષેત્રે અને સાહસિકતામાં સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે
